નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ અંગે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે RBIના પૂર્વ વડા રઘુરામ રાજને મહત્વપૂર્ણ સલાહ આપી છે. રાજને જણાવ્યું છે કે, વર્તમાન સ્થિતિમાં RBIની ભૂમિકા ગંભીર નિર્ણયો લેવાની હોવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાબતને ઉદાહરણના સ્વરૂપમાં સમજાવતાં રાજને જણાવ્યું કે, "RBIની ભૂમિકા રાહુલ દ્રવિડ જેવી હોવી જોઈએ, નહિં કે નવજોદ સિદ્ધુની જેમ નિવેદનબાજી કરનારા વ્યક્તિની." આ બબાત તેમણે અંગ્રેજી અખબાર ઈકોનોમિક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવી છે. 


આ ઉપરાંત સીએનબીસી ટીવી-18ને આપેલા એક ઈન્ટરવ્યુમાં પણ રઘુરામ રાજને RBIને સલાહ આપતા જણાવ્યું કે, "વર્તમાન પરિસ્થિતિમાં RBIની ભૂમિકા કારના સીટ બેલ્ટ જેવી છે, જે દુર્ગટના રોકવા માટે અનિવાર્ય હોય છે." 


રાજને વધુમાં જણાવ્યું કે, હવે સરકારે એ નિર્ણય કરવાનો છે કે તે સીટ બેલ્ટ પહેરવા માગે છે કે નહીં? સરકાર વિકાસને પ્રોત્સાહન આપવા અંગે વિચારે છો તો તેની સામે RBI આર્થિક સ્થિરતા પર ફોકસ કરે છે. RBI પાસે ના પાડવાનો અધિકાર છે, કેમ કે તે સ્થિરતા જાળવી રાખવા માટે જવાબદાર છે. 


આર્થિક કૌભાંડો આચરનારા લોકોને પકડવા અંગે રાજને જણાવ્યું કે, આવા લોકોને કાયદાના કઠેડામાં લાવવા માટે કાયદો સખતાઈપૂર્વક લાગુ કરવો જોઈએ. બેન્કો સાથે છેતરપિંડી આચરનારા લોકો અંગે રાજને જણાવ્યું કે, 'હું હજુ પણ એ સમજી શક્યો નથી કે આ લોકોનાં નામ જાહેર કેમ કરી શકાતા નથી. જો ગોટાળો કરનારા લોકોને સજા આપવામાં નહીં આવે તો તેઓ ફરીથી નવું કૌભાંડ આચરવા માટે પ્રોત્સાહિત થશે.'


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં RBI અને સરકાર વચ્ચે જાહેરમાં નિવેદનબાજી ચાલી રહી છે અને અંદરખાને પણ બંને વચ્ચે તણાવ પેદા થયેલો છે. RBIના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યના એક નિવેદન બાદ તો કેન્દ્ર સરકાર અને RBI વચ્ચે ચાલી રહેલા મતભેદ સપાટી પર આવી ગયા હતા. 


ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ જણાવ્યું હતું કે, 'જે સરકારો પોતાની કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતાનું સન્માન કરતી નથી તેમણે વહેલા-મોટા 'બજારોના આક્રોશ'નો સામનો કરવો પડે છે.'


ત્યાર બાદ એવું બહાર આવ્યું હતું કે, સરકારે NPAના નિયમોમાં છુટછાટ આપીને ધિરાણ સુવિધા વધારવા સહિત અનેક મુદ્દાઓના સમાધાન માટે RBIના અધિનિયમની એ જોગવાઈનો ઉપયોગ કર્યો હતો, જેનો ઉપયોગ અગાઉ એક પણ સરકારે કર્યો નથી. સરકારનો આશય વિકાસ દરમાં વૃદ્ધિ માટેનો હતો. જોકે, કેન્દ્રીય બેન્કનું માનવું છે કે, આ મુદ્દાઓ પર ક્યારેય ઢીલ ન મુકી શકાય નહીં. 


રઘુરામ રાજને જણાવ્યું કે, "RBI ક્યારેય કોઈ વાત કારણ વગર જણાવતું નથી. તે એવું ત્યારે જ કહે છે, જ્યારે પરિસ્થિતિઓની તપાસ બાદ તેને લાગે છે કે, પ્રસ્તાવિત પગલાથી દેશમાં મોટી આર્થિક અસ્થિરતા ઊભી થઈ શકે છે."


રાજને વધુમાં જણાવ્યું કે, "મારા હિસાબે આ સંબંધ લાંબા સમયથી ચાલ્યો આવે છે. અગાઉ પણ સરકારોએ અનેક વખત વિનંતી કરી છે અને RBI દ્વારા ના પાડવામાં આવી છે. જોકે, એ સમયે સરકારે જણાવ્યું હતું કે, અમે તમારા નિર્ણયનું સન્માન કરીએ છી. તમે નાણાકિય સ્થિરતા જાળવી રાખવાના નિયમક છો અને અમે અમારો પ્રસ્તાવ પાછો ખેંચીએ છીએ."


રાજને વધુમાં જણાવ્યું કે, "સરકારે પોતે જ જ્યારે આ ડેપ્યુટી ગવર્નર અને ગવર્રની નિમણૂક કરી છે તો પછી તેમની વાત તેણે સાંભળવી જોઈએ. કેમ કે, તમે આ કામ માટે જ તેમની નિમણૂક કરી છે. તેઓ સેફ્ટી બેલ્ટ છે."