રોજગાર પર રાહુલના સવાલનો પીએમે આપ્યો જવાબ, જણાવ્યું- કેટલી નોકરીઓ આપી
દર વર્ષે 2 કરોડ નોકરીઓના વાયદા પર વિપક્ષ તરફથી ઉઠી રહેલા સવાલોના જવાબમાં પીએમ મોદીએ જણાવ્યું કે, ક્યા ક્ષેત્રમાં મળી રહ્યો છે રોજગાર.
નવી દિલ્હીઃ વિપક્ષ દ્વારા રોજગારના મુદ્દા પર કેન્દ્રની મોદી સરકારને સતત આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં જ એક કરોડથી વધુ રોજગારી આપી, તેથી આ પ્રકારનો દુષ્પ્રચાર નિશ્ચિત રૂપથી બંધ થવો જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થા વચ્ચે સૌથી ઝડપી વિકાસ કરી રહી છે તો તે કેમ કહી શકાય કે રોજગારના ક્ષેત્રમાં કંઇ થઈ રહ્યું નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આપેલા પોતાના ભાષણનું પુનરાવર્તન કરતા પીએમ મોદીએ સવાલ કર્યો કે દેશમાં રોકાણ વધી રહ્યું છે, રોડ નિર્માણ, રેલવેની લાઇન નાખવાનું કામ, સોલાર પાર્ક બનાવવા અને ટ્રાન્સમિશન લાઇનના વિસ્તારમાં ઝડપથી કામ થઈ રહ્યું છે તો કેમ કહી શકાય કે નવા રોજગાર નહીં મળે?
એક વર્ષમાં એક કરોડ લોકોને રોજગાર
કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફઓ)ના આંકડાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 45 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે અને છેલ્લા 9 મહિના દરમિયાન 5.68 લાખ લોકો નવી પેન્શન સ્કીમમાં જોડાયા છે. તેનાથઈ ખ્યાલ આવે છે કે ગત એક વર્ષમાં 1 કરોડથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. પીએમે કહ્યું કે, રોજગારને લઈને ચલાવાતો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ. લોકોને આ બધાથી વધુ ફેર પડવાનો નથી.
દેશમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના ક્ષેત્રમાં થનારા વિકાસની ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2014માં મોબાઇલ નિર્માણના બે ઉપક્રમ હતા, જે વધીને 120 થઈ ગયા છે. પીએમે સવાલ કર્યો જે પ્રકારનો વિકાસ ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે તો શું નોકરીઓનું નિર્માણ નહીં થાય? તેમણે કહ્યું કે, આજે ભારત સ્ટાર્ટ એપ્સનું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. લોજિસ્ટિક્સ, ઇ-કોમર્સ, મોબાઇલ એપ આધારિત એગ્રીગેટર્સની આજે ભરમાર છે તો શું નવા રોજગારનું નિર્માણ નથી થઈ રહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે, પર્યટનનું ક્ષેત્ર પણ મોટી રોજગારીનો અવસર પેદા કરે છે. ગત વર્ષે પર્યટકોની સંખ્યામાં 14 ટકાનો વધારો જોવા મળ્યો હતો, તો શું તેનાથી નવી રોજગારી ઉભી થઈ હશે?