નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે. પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીના મામલે આ કાર્યવાહી એન્ટિ મની લોન્ડરિંગ લૉ 2002 હેઠળ કરવામાં આવી છે. ઇડીએ ચોક્સીની દુબઇ સ્થિત ત્રણ વ્યાવસાયિક સંપત્તિઓ, કિંમતી વસ્તુઓ, એક મર્સિડિઝ બેંજ એ-280 અને સ્થિર થાપણ જપ્ત કરી છે. ચોક્સીએ ગત વર્ષે એંટીગુઆની નાગરિકતા લઇ લીધી છે. 


મેહુલ ચોક્સી વિરૂદ્ધ ગુનાની કુલ કિંમત 6,097.73 કરોડ રૂપિયો છે. ઇડીએ અત્યાર સુધી 2,534.7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. સીબીઆઇ અને ઇડી દ્વારા મામલે મેહુલ ચોક્સી અને નીરવ મોદી વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. ઇડીએ મેહુલ ચોક્સીના પ્રત્યર્પણની માંગ કરી છે અને ઇડીની માંગ પર મેહુલ ચોક્સી વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી છે.