નીરવ મોદીએ 11400 કરોડના લગાવ્યો ચુનો, ઈડીએ જપ્ત કરી 5100 કરોડની જ્વેલરી
પંજાબ નેશનલ બેંકની ફરિયાદ બાદ એજન્સીએ નીરવ મોદી, તેની પત્ની એમી, ભાઈ વિશાલ અને બિઝનેસ પાર્ટનર મેહુલ ચોકસી વિરુદ્ધ કાલે મની લોન્ડ્રિંગ મામલે કેસ દાખલ કર્યો હતો.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને 11400 કરોડ રૂપિયોના ચુનો લગાવનાર નીરવ મોદી અને કેટલાક વિરુદ્ધ 280 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગના આરોપોની તપાસના સિલસિલામાં ગૂરુવારે ઈડીએ મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં કરેલી છાપેમારીમાં 5100 કરોડ રૂપિયાના હીરા, સોનાના આભુષણ જપ્ત કર્યા. ઈડીએ નીરવ મોદીની 17 જગ્યાઓ પર રેડ કરી હતી. આ કાર્યવાહી પંજાબ નેશનલ બેંકની ફરિયાદ પર કરવામાં આવી છે. એજન્સીએ નીરવ મોદી, તેની પત્ની એમી, ભાઈ નિશાલ અને વ્યાપારી ભાગીદાર મેહુલ ચોકસી વિરુદ્ધ ગઈકાલે મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો.
ઈડીના એક અધિકારીએ નામ ન જણાવવાની શર્ત પર જણાવ્યું કે, એજન્સીએ મોદી અને અન્ય આરોપીઓની મુંબઈમાં પાંચ સંપત્તિ સીલ કરી છે. હવે ઈડી મોદીનો પાસપોર્ટ રદ્દ કરવાને લઈને વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાની તૈયારીમાં છે. ઈડીએ વિદેશ મંત્રાલયને પીએનબી કૌભાંડ મામલામાં આરોપી કરોડપતિ વેપારી નીરવ મોદી અને તેના વ્યાવસાયિક ભાગીદાર મેહુલ ચોકસીનો પાસપોર્ટ રદ્દ કરવાની ભલામણ કરી છે.
સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, સવારે શરૂ થયેલી કાર્યવાહીમાં મુંબઈ, ગુજરાત અને દિલ્હીમાં ઓછામાં ઓછી 10 જગ્યાએ રેડ કરવામાં આવી હતી. ઈડીના અધિકારીઓએ જે જગ્યાએ કાર્યવાહી કરી છે તેમાં મોદીનું મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલું ઘર, કાલા ઘોડા વિસ્તારમાં આવેલી આભુષણની દુકાન, બાંદ્રા અને લોઅર પરેલ વિસ્તારમાં કંપનીની ત્રણ જગ્યા, ગુજરાતના સુરતમાં આવેલી ત્રણ જગ્યા અને દિલ્હીની ડિફેન્સ કોલોની અને ચાણ્કયપુરી વિસ્તારમાં આવેલા મોદીના શો-રૂમ સામેલ છે.
અધિકારીએ જણાવ્યું કે, આ રેડમાં 5100 કરોડ રૂપિયાના હીરા, સોનાના આભુષણ જપ્ત કરવામાં આવ્યા છે. ઈડીએ આ મામલે સીબીઆઈમાં આ મહિને એક એફઆરઆઈના આધારે મની લોન્ડ્રિંગ પ્રતિબંધ એક્ટ પ્રમાણે કેસ દાખલ કર્યો હતો.
ઈડીએ પીએનબી તરફથી મોદી અને અન્ય વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદ પર ધ્યાન આપ્યું છે. એજન્સી તે વાતની તપાસ કરશે કે કથિત રૂપથી કૌભાંડથી મેળવેલું બેન્કના રૂપિયાનું લોન્ડ્રિંગ થયું અને શું અપરાધની કમાણી બાદમાં ગેરકાનૂની રીતે સંપત્તિ ખરીદવી અને કાળાનાણાના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો. નીરવ મોદી (46) 2013થી ફોર્બ્સની અમિર ભારતીયોની યાદીમાં નિયમિત રૂપે સામેલ રહે છે.