નવી દિલ્લીઃ ભારતની અર્થવ્યવસ્થાનો એક મોટો ભાગ કૃષિ પર નિર્ભર છે. આપણા દેશમાં એક  એવો મોટો વર્ગ છે, જેની આવકનો સ્ત્રોત કૃષિ સાથે જોડાયેલો છે. ભારતમાં ખેડૂતોને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમની સમસ્યાને જોતા ભારત સરકારે ખેડૂતોની આવક બમણી કરીને તેના જીવનસ્તરને સુધારવા માટે નવી સ્કીમ શરૂ કરી છે. અનેક રાજ્યોમાં પણ ખેડૂતોના હિતમાં યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જો તમે તેલંગાણા રાજ્યના નિવાસી છો, તો તમે PM કિસાન સન્માન નિધિ અને રાયથુ બંધુ યોજના અંતર્ગત દર વર્ષે 16 હજાર રૂપિયાનો લાભ લઈ શકો છો. જોકે, રાયથુ બંધુ યોજનાનો લાભ લેવા માટે તમારે તેલંગાણા રાજ્યના નિવાસી હોવુ અનિવાર્ય છે. તેલંગાણાના ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર બંને સરકાર આર્થિક સહાયતા આપે છે. ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરવર્ષે દેશભરના ખેડૂતોને 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જ્યારે બીજીબાજુ તેલંગાણા સરકાર પણ રાયથુ બંધુ યોજના અંતર્ગત દરવર્ષે ખેડૂતોના ખાતામાં 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. જો તમે તેલંગાણાના ખેડૂત છો, તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6 હજાર રૂપિયા અને રાયથુ બંધુ યોજનાનાં માધ્યમથી 10 હજાર રૂપિયાનો લાભ ઉઠાવી શકો છો. તેલંગાણા રાજ્યનો ખેડૂત દરવર્ષે 16 હજાર રૂપિયાની આર્થિક સહાયતાનો લાભ આ બંને યોજનાઓની મદદથી મેળવી શકે છે. રાયથુ બંધુ યોજનાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. આ યોજના અંતર્ગત શરૂઆતમાં તેલંગાણા સરકાર દરવર્ષે રાજ્યના ખેડૂતોને 8 હજાર રૂપિયા આપતી હતી. આ રકમ 2019માં વધારીને 10 હજાર રૂપિયા કરી દીધી હતી. રાયથુ બંધુ યોજના અંતર્ગત એ જ ખેડૂતોને લાભ આપવામાં આવે છે, જેમના નામ પર જમીન છે. જે લોકો ભાડાની જમીનમાં ખેતી કરી રહ્યા છે, તેઓ યોજનાનો લાભ નથી ઉઠાવી શકતા.