પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાને બદલે વધશે! આ છે કારણ
કાચા તેલનું ઉત્પાદન કરનાર દેશોના સંગઠન ઓપેકે 10 લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન વધારવા પર સંમતિ દર્શાવી છે
નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે ઘટાડાના સમાચાર આવી રહ્યા છે. સરકાર વધી રહેલી કિંમત પર અંકુશ લાદવાના પ્રયાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અથવા તો એને જીએસટીની મર્યાદામાં લાવી શકાય છે. જોકે હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાના ભણકારા વાગી રહ્યા છે. હકીકતમાં કાચા તેલનું ઉત્પાદન કરનાર દેશોના સંગઠન ઓપેકે 10 લાખ બેરલ પ્રતિ દિવસ ઉત્પાદન વધારવા મામલે સંમતિ આપી છે. આ નિર્ણય પછી ક્રુડની કિંમતમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે. આ કારણે જ ભારતમાં તેલ કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારવાનું દબાણ વધી ગયું છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો થયો છે. શનિવારના ભાવની સરખામણીમાં પેટ્રોલમાં 14 પૈસા અને ડીઝલ પર 7 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ઘટાડા પછી દિલ્હીમાં પેટ્રોલની આજની કિંમત 75.79 રૂ. પ્રતિ લીટર સુધી પહોંચી ગયી છે જ્યારે ડીઝલની કિંમત 67.54 રૂ. પ્રતિ લીટર થઈ ગઈ છે.
વિયેનામાં ચાલી રહેલી ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની બેઠકમાં સાઉદી અરબે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન દૈનિક 10 લાખ બેરલ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેલ સપ્લાય વધારવાનો વિરોધ કરી રહેલા ઇરાનને પણ સાઉદી અરબે બેઠક મળે તેના થોડા સમય પહેલા મનાવી લીધું હતું. અમેરિકા,ચીન અને ભારતનું કહેવું હતું કે તેલની કમીને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર પડે છે. સાઉદી અરબ અને રશિયા તેલ ઉત્પાદન વધારવા માટે પહેલાથી જ તૈયાર હતાં, પરંતુ ઇરાને આ નિર્ણયની ટીકા કરી હતી. ઇરાન આ નિર્ણયના વિરૂદ્ઘમાં અમેરિકાના કારણે હતું કારણ કે અમેરિકાએ ઇરાન પર નિકાસ સંબંધિત અનેક પ્રતિબંધો લાદી રાખ્યા છે. ઇરાન ઓપેક દેશોમાં ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. ઇરાને માંગ કરી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તેલ સપ્લાય વધારવાની માંગને ફગાવી દેવામાં આવે. ઇરાને કહ્યું હતું કે અમેરિકાએ ઇરાન અને વેનેઝુએલા પર રોક લગાવી તેલના ભાવમાં વધારો કરવામાં ભૂમિકા ભજવી છે.