ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બ્રિટનથી 100 ટન જેટલો પોતાનો સોનાનો ભંડાર સ્વદેશ પાછો મંગાવી લીધો છે અને તેને પોતાના  ભંડારમાં ટ્રાન્સફર કર્યો છે. બિઝનેસ ટુડેના એક રિપોર્ટ મુજબ આવનારા મહિનામાં ફરીથી આટલા જ પ્રમાણમાં ગોલ્ડનો જથ્થો સ્વદેશ પાછો લાવવામાં આવી શકે છે. વર્ષ 1991માં ગિરવે રાખવામાં આવેલા આ સોનાને પહેલીવાર આરબીઆઈના સ્ટોકમાં સામેલ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI ના અડધાથી વધુ ગોલ્ડ  ભંડાર વિદેશમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવેલો છે. તેનો લગભગ એક તૃતિયાંશ ભાગ ઘરેલુ સ્તર પર રાખવામાં આવ્યો છે. સોનું બ્રિટનથી ભારત પાછું લાવવાથી ભારતીય રિઝર્વ બેંકને સ્ટોક કોસ્ટ બચાવવામાં પણ મદદ મળશે જેની ચૂકવણી બેંક ઓફ ઈન્ડિયાને કરવામાં આવે છે. 


1991માં રખાયું હતું ગિરવે
RBI દ્વારા બહાર પડેલા વાર્ષિક આંકડા મુજબ 31 માર્ચ 2024 સુધી કેન્દ્ર  સરકાર પાસે પોતાના વિદેશી મુદ્રા ભંડારના ભાગ તરીકે 822.10 ટન સોનું હતું. જે ગત વર્ષ આ સમયગાળા દરમિયાન 794.63 ટનથી વધુ હતું. વર્ષ 1991માં ચંદ્રશેખર સરકારે ચૂકવણી સંતુલન સંકટને પહોંચી વળવા માટે ગોલ્ડને ગિરવે મૂક્યું હતું. 4 થી 18 જુલાઈ 1991 વચ્ચે આરબીઆઈએ 400 મિલિયન ડોલર ભેગા કરવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને  બેંક ઓફ જાપાન પાસે 46.91 ટન સોનું ગિરવે મૂક્યું હતું. 


ભારતે ખુબ ખરીદ્યું સોનું!
કેન્દ્રીય બેંકે લગભગ 15 વર્ષ પહેલા IMF પાસેથી 200 ટન સોનું ખરીદ્યું હતું. 2009માં યુપીએ સરકારના કાર્યકાળમાં જ્યારે મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે ભારતે પોતાની પરિસંપત્તિમાં વિવિધતા લાવવા માટે 6.7 અબજ ડોલર પ્રાઈસનું 200 ટન સોનું ખરીદ્યું હતું. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં રિઝર્વ બેંક દ્વારા ખરીદાયેલા સોનાના સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે. 


કેમ બેંક ખરીદે છે સોનું?
કેન્દ્રીય બેંક દ્વારા સ્ટોકમાં સોનું રાખવાનો હેતુ ખાસ કરીને તો મોંઘવારી દર અને વિદેશી મુદ્રા જોખમ વિરુદ્ધ સુરક્ષા સ્વરૂપે પોતાના વિદેશી મુદ્રા પરિસંપત્તિઓના આધારમાં વિવિધતા લાવવાનો છે. આરબીઆઈએ ડિસેમ્બર 2017થી નિયમિત રીતે બજારથી સોનું ભેગું કરવાનું શરૂ કરી દીધુ છે. દેશના કુલ વિદેશી ભંડારમાં સોનાની  ભાગીદારી ડિસેમ્બર 2023ના અંત સુધીમાં 7.75 ટકાથી વધીને એપ્રિલ 2024ના અંત સુધીમાં લગભગ 8.7 ટકા લાવવાનો લક્ષ્યાંક હતો. 


ક્યાં રાખે છે ગોલ્ડ?
દેશની અંદર સોનું મુંબઈના મિન્ટ રોડ સ્થિત આરબીઆઈ ભવન તથા નાગપુરમાં રખાયેલી તિજોરીઓમાં સોનું સાચવવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટ મુજબ વૈશ્વિક કેન્દ્રીય બેંકો પાસે અત્યાર સુધી ખનન કરાયેલા તમામ સોનાનો લગભગ 17 ટકા ભાગ છે અને વર્ષ 2023ના અંત સુધીમાં ભંડાર 36699 મેટ્રિક ટન (MT)થી વધુ હશે. 


ભારતે ક્યારે સોનું ગિરવે મૂક્યું?
વર્ષ 1991માં દેશ પાસે ઈમ્પોર્ટ કરવા માટે વિદેશી કરન્સી બચી નહતી અને ત્યારે ભારતે પોતાનું 67 ટન સોનું ગિરવે મૂકીને 2.2 અબજ ડોલરનું કરજ લીધુ હતું. પૂર્વ ગવર્નર સી રંગરાજને પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે સરકારે સોનું ગિરવે રાખવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ એરપોર્ટ પર એક ચાર્ટર્ડ પ્લેન ઊભું હતું. આ પ્લેનમાં આ સોનું રાખવામાં આવ્યું હતું. સોનું લઈને પ્લેન ઈંગ્લેન્ડ પહોંચ્યું હતું. ત્યારે ભારતને કરજ મળ્યું હતું. ત્યારબાદ ભારતે ગિરવે રાખેલા સોનાને છોડાવ્યું અને ત્યારબાદ ધીરે ધીરે દેશનો વિદેશી મુદ્રા ભંડાર પણ વધતો ગયો.