Exclusive : પ્રફુલ્લ પટેલ પછી હવે DHFL સાથેના ઇકબાલ મિર્ચીના સંબંધનો પર્દાફાશ
એચડીઆઇએલ (HDIL) પછી હવે આ પરિવારની અન્ય એક કંપની દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) વિશે મોટો ખુલાસો થયો છે.
મુંબઈ : એચડીઆઇએલ (HDIL) પછી હવે આ પરિવારની અન્ય એક કંપની દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) વિશે મોટો ખુલાસો થયો છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફુલ્લ પટેલ પછી હવે DHFLનો ઇકબાલ મિર્ચી સાથેનો સંબંધ સામે આવ્યો છે. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક (PMC Bank ગોટાળાના મામલામાં એચડીઆઇએલ (HDIL) કંપનીની મુશ્કેલી વધી રહી છે પણ હવે HDIL પછી આ પરિવારની અન્ય એક કંપની DHFL મામલે મોટો ખુલાસો થયો છે.
હકીકતમાં HDIL અને DHFL બંને કંપનીઓના માલિક સંબંધીઓ છે. રાકેશ વાધવાનની કંપની HDIL પીએમસી બેંક ગોટાળા મામલામાં આરોપી છે. સુત્રોનો દાવો છે કે રાકેશ વાઘવાનના સગા ભાઈના દીકરા કપિલ વાઘવાન અને ધીરજ બાબા દીવાનની કંપની DHFL (Dewan Housing & Finance Ltd)ના તાર ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી છે. એક તબક્કે HDIL અને DHFL બંને એક જ કંપની હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરિત ગણાતા ઇકબાલ મિર્ચી સાથે જોડાયેલા મામલામાં લાગેલા એન્ફોર્સમેન્ટ ડારેક્ટરેટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ED જ્યારે 1984થી 1999 દરમિયાન ઇકબાલ મિર્ચી વિરૂદ્ધ નોંધાયેલા આઠ કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી હતી ત્યારે આ સનસનીખેજ ખુલાસો થયો હતો. ઝી મીડિયા પાસે ઇડીના એ દસ્તાવેજ છે જેના આધારે ખબર પડે છે કે ઇડીએ મુંબઈ અને બેન્ગલુરુમાં કુલ 11 જગ્યા પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા, ડિજીટલ પુરાવા અને ઇમેઇલ કન્ટેન્ટની જાણકારી મળી હતી. આ દરમિયાન જ DHFLની લિંક સામે આવી હતી.
EDના દસ્તાવેજ પ્રમાણે ઇકબાલ મિર્ચીએ 1986માં અપમાર્કેટ વરલીમાં ત્રણ બિલ્ડિંગ સીવ્યુ, મરિયમ લોજ અને રબિયા મેન્શન કુલ 6.5 લાખમાં ખરીદી લીધા હતા. આ પછી 2010માં મિર્ચીની ફ્રન્ટ કંપનીએ આ ત્રણ બિલ્ડિંગ 220 કરોડ રૂપિયામાં સબલિંક કંપનીને વેચી દીધી હતી અને આ ડીલમાંથી 30 કરોડ રૂપિયા બ્રોકર રંજીત સિંહ બિંદ્રાને મળ્યા હતા. આ તમામ પૈસામાંથી બધાને હિસ્સો મળ્યો હતો જ્યારે ઇકબાલ મિર્ચીને 170 કરોડ રૂપિયા મળ્યા હતા. આ પૈસામાંથી તેણે દુબઇમાં ફાઇવ સ્ટાર હોટેલ ખરીદી હતી. હવે આ સોદામાં જે સબલિંક કંપનીનું નામ આવ્યું છે એ DHFL સાથે જોડાયેલી છે. આ મામલામાં તપાસ કરતા ઇડીને ઇશારો મળ્યો છે કે કેટલીક શેલ કંપની તેમજ પૈસાની લેવડદેવડ મારફતે મિર્ચી અને ડીએચએફએલના તાર જોડાયેલા હોઈ શકે છે અને આ એન્ગલની તપાસ ED કરી રહી છે.