ફાટેલી-કપાયેલી ચલણી નોટો બદલવી હવે એકદમ સરળ, જાણો કઈ રીતે?
ભારતીય રિઝર્વ બેંકે ફાટેલી અને કપાયેલી નોટો બદલવાના નિયમોમાં શુક્રવારે ફેરફાર કર્યો છે.
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકે ફાટેલી અને કપાયેલી નોટો બદલવાના નિયમોમાં શુક્રવારે ફેરફાર કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા 2000 રૂપિયા, 200 રૂપિયા અને અન્ય ઓછા મૂલ્યની મુદ્રા રજુ થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈના દેશભરમાં કાર્યાલયો કે નોમીનેટેડ બેંક શાખાઓમાં કપાયેલી કે ફાટેલી નોટો બદલી શકાય છે. વર્ષ 2016ના નવેમ્બરમાં નોટબંધી થયા બાદ રિઝર્વ બેંકે 200 રૂપિયા અને 2000 રૂપિયાની નોટો બહાર પાડી. આ ઉપરાંત 10 રૂપિયા, 20, 50, 100 અને 500ની પણ નાની નોટો બહાર પડી.
રિઝર્વ બેંકે કહ્યું કે આ સાથે જ 50 રૂપિયા અને તેનાથી વધુ મૂલ્યની નોટોના મામલે પૂર્ણ મૂલ્યની ચૂકવણી માટે નોટોના ન્યૂનતમ ક્ષેત્રની જરૂરિયાતને લઈને પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે.
રિઝર્વ બેંકના દેશભરમાં કાર્યાલયો કે નોમિનેટેડ બેંક શાખાઓમાં કપાયેલી કે ફાટેલી નોટો બદલી શકાય છે. નોટની સ્થિતિ પર અડધા મૂલ્ય કે સંપૂર્ણ મૂલ્ય પર તેને બદલી શકાય છે. રિઝર્વ બેંક (નોટ વાપસી) નિયમ 2009માં સંશોધન કરતા કેન્દ્રીય બેંકે કહ્યું કે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં કપાયેલી ફાટેલી નોટોને બદલવામાં લોકોની સુવિધા માટે આ પગલું લેવાયું છે. નવી શ્રેણીની નોટ જૂની નોટો કરતા નાની છે. આ નિયમ તત્કાળ પ્રભાવથી અમલમાં છે.