Good News! હવે ક્રેડિટ કાર્ડથી પણ થઈ શકશે UPI પેમેન્ટ, ખાસ જાણો વિગતવાર માહિતી
Credit Card UPI Payment: આવનારા દિવસોમાં હવે ક્રેડિટ કાર્ડની મદદથી પણ UPI પેમેન્ટ કરી શકાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે આ અંગે જાહેરાત કરી.
Credit Card UPI Payment: આવનારા દિવસોમાં હવે ક્રેડિટ કાર્ડની મદદથી પણ UPI પેમેન્ટ કરી શકાશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે આ અંગે જાહેરાત કરી. રિઝર્વ બેંક જલદી આ સુવિધા શરૂ કરશે. આ સુવિધાની શરૂઆત Rupay ક્રેડિટ કાર્ડથી થશે. UPI વિશે વાત કરીએ તો તે એક એવી બેંકિંગ સિસ્ટમ છે જેના દ્વારા પેમેન્ટ એપ્લિકેશન પર પૈસાના ટ્રાન્ઝેક્શન કે પેમેન્ટ થઈ શકે છે. તમારું UPI આઈડી એક પ્રકારનું એડ્રસ છે જે UPI પર તમારી ઓળખ કરે છે.
ગ્રાહકોને ચૂકવણી માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો હેતુ
યુપીઆઈ હાલ દેશમાં પેમેન્ટનું લોકપ્રિય માધ્યમ બનેલું છે. આ પ્લેટફોર્મથી લગભગ 26 કરોડ યૂઝર્સ અને પાંચ કરોડ વેપારીઓ જોડાયેલા છે. ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જોડવાનો મૂળ હેતુ ગ્રાહકોને ચૂકવણી માટે વધુ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલ યુપીઆઈ યૂઝર્સ માટે માત્ર ડેબિટ કાર્ડ અને સેવિંગ/કરન્ટ એકાઉન્ટ એડ કરીને ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા શરૂ થતાની સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ વધુ પ્રોત્સાહન મળશે. ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જોડવાની શરૂઆત આરબીઆઈ પ્રમોટેડ NPCI તરફથી બહાર પાડવામાં આવેલા રૂપે ક્રેડિટ કાર્ડ (rupay credit card) થી થશે. ત્યારબાદ સિસ્ટમમાં ડેવલપમેન્ટની સાથે માસ્ટરકાર્ડ તથા વિઝા સહિત અન્ય ગેટવે પર બેસ્ડ ક્રેડિટ કાર્ડ માટે પણ આ સુવિધા શરૂ થઈ શકે છે. આ વ્યવસ્થાથી જે લોકો કોઈ જરૂર પડ્યે ક્રેડિટ કાર્ડથી કેશ કાઢી લે છે કે પછી તેના પૈસા બેંક ટ્રાન્સફર કરે છે તેવા લોકોને સરળતા રહેશે. આ બંને સ્થિતિમાં તેમણે વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હોય છે.
ક્રેડિટ કાર્ડથી યુપીઆઈ પેમેન્ટ આ રીતે થઈ શકશે
રિઝર્વ બેંકની આ સુવિધાથી હવે ક્રેડિટ કાર્ડને સ્વાઈપ કર્યા વગર જ પેમેન્ટ કરવું શક્ય બનશે. આ માટે ક્રેડિટ કાર્ડને પહેલા યુપીઆઈ સાથે લિંક કરવું પડશે. ત્યારબાદ સીધુ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકશે. પેમેન્ટ કરતી વખતે તમને વિકલ્પ મળશે કે તમે કયા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગો છો. જેવું તમે યુપીઆઈ એપથી પેમેન્ટ શરૂ કરશો કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી સબમિટ કરતા જ પેમેન્ટ પ્રોસેસ પૂરી થશે.
ચાર્જ લાગશે કે નહીં?
વર્તમાન વ્યવસ્થામાં યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા પર કોઈ ચાર્જ લાગતો નથી. જ્યારે ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઓનલાઈન પેમેન્ટ માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) પર નિર્ભર હોય છે. જે દરેક ચૂકવણી પર કોઈને કોઈ ચાર્જ વસૂલ કરે છે. એટલે કે યુપીઆઈ અને તે ઉપરાંત રૂપે કાર્ડ સિવાય અન્ય વિકલ્પોથી કરાયેલા દરેક ટ્રાન્ઝેક્શન પર, વેપારીઓને ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની એક નિશ્ચિત ચૂકવણી કરવાની હોય છે. 1 જાન્યુઆરી 2020થી યુપીઆઈ અને રૂપેથી કરાયેલા ટ્રાન્ઝેક્શન પર MDR શૂન્ય કરાયું હતું. એટલે કે કોઈ ચાર્જ લાગતો નથી. આ કારણે સમગ્ર દેશમાં વેપારીઓએ યુપીઆઈ અપનાવ્યું.
પણ RBI ની આ જાહેરાત બાદ હજુ એ સ્પષ્ટ નથી કે ક્રેડિટ કાર્ડ લિંક કરવા માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે MDR કેવી રીતે લાગૂ થશે. કારણ કે હાલની સ્થિતિમાં ક્રેડિટ કાર્ડથી કરાયેલા ટ્રાન્ઝેક્શન પર સૌથી વધુ MDR લાગે છે. તે લગભગ 2 ટકાથી 3 ટકા સુધી છે. આવામાં એ સ્પષ્ટતા પણ જરૂરી રહેશે કે શું યુપીઆઈથી લિંક થયેલા ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલા ટ્રાન્ઝેક્શન પર બેંકોએ MDR છોડવું પડશે.
આ સિવાય પણ આરબીઆઈએ અન્ય સુવિધાઓ પણ શરૂ કરી છે. જેમાં રિકરિંગ પેમેન્ટ માટે ઓટો ડેબિટ લિમિટ વધારી છે તથા હોમ લોનની લિમિટ બમણી કરવી તથા સહકારી બેંકોમાં ડોરસ્ટેપ સુવિધા શરૂ કરવા જેવી સુવિધાઓ સામેલ છે.
રિકરિંગ પેમેન્ટ માટે ઓટો ડેબિટ લિમિટ વધી
રિઝર્વ બેંકે આ સાથે સબ્સ્ક્રિપ્શનવાળા પેમેન્ટને પણ સરળ બનાવ્યું છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન હોય કે પછી શાળાની ફી, ગેસ બિલક કે મોબાઈલ-બ્રોડબેન્ડનું માસિક બિલ... આ બધા માટે રિઝર્વ બેંકે આવા રિકરિંગ પેમેન્ટ માટે ઈ-મેન્ડેટ જરૂરી કર્યું છે. ઈમેન્ડેટ જરૂરી કર્યા બાદ આવા ટ્રાન્ઝેક્શન માટે એક લિમિટ નક્કી કરી છે. પહેલા આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે 5000 રૂપિયા લિમિટ હતી જે હવે ત્રણ ગણી વધારીને 15000 કરી છે. એટલે કે ઈ મેન્ડેટ દ્વારા 15 હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન થઈ શકશે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો ઓટીપી વગર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ દ્વારા થતા રિકરિંગ પેમેન્ટ પર ઓટો ડેબિટની લિમિટ વધીને 15000 થઈ. ઓટીપીની જરૂર જ નહીં રહે.
હોમલોનની મર્યાદા વધી
સહકારી બેંકોની હોમ લોનની મર્યાદામાં વધારો કરાયો છે. ટિયર-1માં લિમિટ 30 લાખથી વધારીને 60 લાખ કરાઈ છે. જ્યારે ટિયર-2 શહેરોમાં 70 લાખ રૂપિયાથી વધારીને 1.40 કરોડ કરાઈ છે. અર્બન કોઓપરેટિવ બેંકો માટે 30 લાખ રૂપિયાથી વધારી 75 લાખ રૂપિયા કરવામાં આવી છે.
સહકારી બેંકોમાં મળશે આ મહત્વની સર્વિસ
આરબીઆઈએ આ ઉપરાંત શહેરી કોઓપરેટિવ બેંકોને ડોર સ્ટેપ સર્વિસ પૂરી પાડવાની પણ મંજૂરી આપી. જેનો હેતુ કોઓપરેટિવ બેંકોનું કામકાજ સરળ અને ઝડપી બનાવવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube