નવી દિલ્હી : દેશમાં લાંબા સમયથી બ્લેકમની મામલે ચર્ચા થઈ રહી છે. આ સંજોગોમાં આરટીઆઇના માધ્યમથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે. ગુજરાતીઓએ ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ (IDS)માં માત્ર ચાર મહિનામાં જ 18,000 કરોડ રૂ.ના બ્લેકમનીનો ખુલાસો કર્યો છે. આ રકમ દેશમાં ઘોષિત કરવામાં આવેલા બ્લેકમનીનો 29 ટકા જેટલો હિસ્સો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરટીઆઇના આંકડાઓ પ્રમાણે જૂન, 2016થી સપ્ટેમ્બર, 2016 દરમિયાન બ્લેકમની તરીકે આટલી મોટી રકમનો ખુલાસો થયો છે. આ આંકડા નોટબંધીના બે મહિના પહેલાના આંકડા છે. ઉલ્લેખનીય છે કે નોટબંધીની જાહેરાત 8 નવેમ્બર, 2016ના દિવસે થઈ હતી. આઇડીએસ હેઠળ દેશમાં બ્લેકમની તરીકે જાહેર થયેલી કુલ રકમ 62,250 કરોડ રૂ. છે. 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા સમાચાર પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગને આ વિશે જાણકારી આપવામાં લગભગ બે વર્ષ જેટલો સમય લાગ્યો. આ મામલે જાહેરહિતની અરજી ભરતસિંહ ઝાલાએ 21 ડિસેમ્બર, 2016ના દિવસે દાખલ કરી હતી. તેમણે આ અરજી અમદાવાદના પ્રોપર્ટી ડિલર મહેશ શાહ દ્વારા 13,860 કરોડ રૂ.ની જાહેરાત પછી દાખલ કરી હતી. 


ઇન્કમટેક્સ વિભાગ હજી પણ નેતાઓ, પોલીસ અધિકારીઓ તેમજ સરકારી અમલદારોની આવક વિશે જાણકારી આપવાના મામલે ચુપકીદી સેવી રહ્યો છે. ભરત સિંહ ઝાલાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલી માહિતી પ્રમાણે તેમણે આ જાણકારી મેળવવા માટે બે વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. એકવાર તો તેમનું અરજીપત્રક ગુમ થઈ ગયું હતું અને બીજીવાર અરજીપત્રક ગુજરાતીમાં હોવાનો મુદ્દો આગળ ધરીને એનો સ્વીકાર કરવા માટે ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે ગઈ 5 ડિસેમ્બરે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે દિલ્હીમાં ઇન્કમટેક્સ વિભાગને આ મામલે જાણકારી આપવાનો આદેશ કર્યો હતો. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા કરો ક્લિક...