નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોથી હેરાન પરેશાન જનતા પર વધુ એક મોંઘવારીનો ફડાકો પડવાનો છે. ભારતીય રિઝર્વ બેંકની મોનેટ્રી પોલીસી કમિટી (એમપીસી)ની બેઠક પહેલા દેશની ત્રણ મોટી બેંકોએ શુક્રવારે બેંચમાર્ક ઋણ દર એટલે કે એમસીએલઆર આધારિત દરોમાં 0.1 ટકાનો વધારો કર્યો છે. જે બેંકોએ વધારો કર્યો છે તે ત્રણ મોટી બેંકો છે એસબીઆઈ, પીએનબી અને આઈસીઆઈસીઆઈ બેંક. આ વધારો થવાથી ગ્રાહકો માટે લોન મોંઘી બનશે. નવા દરો આજથી પ્રભાવિત થયા છે. એસબીઆઈએ તમામ ત્રણ વર્ષ સુધીની વિભિન્ન મેચ્યોરિટી મર્યાદાના બેંચમાર્ક ઋણ દરમાં 0.10 ટકા સુધીનો વધારો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસબીઆઈની વેબસાઈટ મુજબ એસબીઆઈએ એક દિવસ અને એક મહિનાની અવધિ પર એમસીએલઆરને 7.8 ટકાથી વધારીને 7.9 ટકા કરી નાખ્યો છે. જ્યારે શ્રણ વર્ષની મેચ્યોરિટીવાળા ઋણ માટે વ્યાજ દરને 8.35ટકાથી વધારીને 8.45 ટકા કરી નાખ્યો છે. જ્યારે પીએનબીએ ત્રણ વર્ષ અને પાંચ વર્ષના સમયગાળા માટે એમસીએલઆરને વધારીને ક્રમશ: 8.55 ટકા અને 8.7 ટકા કર્યો છે. પીએનબીએ આધાર દરને પણ 9.15 ટકાથી વધારીને 9.25 ટકા કર્યો છે.


આઈસીઆઈસીઆઈ બેંકે કહ્યું કે તેણે પાંચ વર્ષના સમયગાળાના એમસીએલઆર દરને 0.10 ટકા વધારીને 8.70 ટકા કર્યો છે. આ સાથે જ એક વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળાના ઋણ માટે પણ એમસીએલઆરમાં 0.10 ટકાનો વધારો કરાયો છે. સૂત્રોએ જણાવ્યું કે અન્ય બેંકો પણ જલદી આ અનુસરશે. મોટાભાગના મકાનો અને વાહનોની લોન એમસીએલઆર સાથે જોડાયેલી છે.