SCનો મોટો નિર્ણય, હવે મળશે ઓછો પગાર કારણ કે...
આ નિર્ણયની અસર પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા લોકો પર પડશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી કરનારા લોકો મામલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રોવિડન્ટ ફંડના નિયમોને લઈને મોટો બદલાવ કર્યો છે. કોર્ટે જણાવ્યું છે કે સંસ્થા PFના હિસાબ દરમિયાન સ્પેશિયલ એલાઉન્ટને અલગ નહીં કરી શકે. સરળ શબ્દોમાં સમજીએ તો બચત માટે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સારો છે. વર્તમાનમાં PFનો હિસ્સો બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાંના આધારે નક્કી કરવામાં આવે છે પણ હવે એમાં વિશેષ ભથ્થાં અને બીજા ભથ્થાં જોડી દેવામાં આવ્યા છે. કોર્ટના આ નિર્ણય પછી હવે ટેક હોમ સેલરી ઓછી હશે પણ સેવિંગ વધારે હશે.
સામાન્ય રીતે જે વ્યક્તિની કંપનીમાં 20 કરતા વધારે કર્મચારીઓ કામ કરતા હોય તેમના માટે પોતાના કર્મચારીઓનો EPFમાં સમાવેશ કરવો જરૂરી છે. આ સ્કીમ અંતર્ગત માલિક કર્મચારીના મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાંની 12 ટકા રકમ કાપીને ઇપીએફમાં જમા કરાવે છે. જે કર્મચારીઓનો પગાર 15,000 રૂપિયા સુધી છે તેમના માટે આ અનિવાર્ય છે. જે કર્મચારીઓનું વેતન 15,000 રૂપિયાથી વધારે હોય તેના માટે માલિક પાસે વિકલ્પ હોય છે.
ટેક્સ એક્સપર્ટ અને રોકાણ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે મોટાભાગના નોકરિયાત સમજે છે કે હાલમાં આવતા પૈસા જ તેમનો પગાર છે. તે ઇપીએફ માટે પગારમાંથી કપાયેલી રકમને પગારનો હિસ્સો નથી માનતા. આ સંજોગોમાં હાથમાં આવતા પગારને વધારવા માટે અનેક માલિકો પોતાના કર્મચારીઓને અલગઅલગ એલાઉન્સ આપે છે જેમાં કેન્ટિન એલાઉન્સ, કન્વેન્સ એલાઉન્સ, લંચ એલાઉન્સ, હાઉસ રેન્ટ એલાઉન્સ અને સ્પેશિયલ એલાઉન્સનો સમાવેશ થાય છે. ઇપીએફ યોજનામાં હાઉસ રેન્ટ એલાઉન્ટ અને ફૂડ કન્સેશનનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
સુપ્રીમ કોર્ટે હવે એલાઉન્ટ પર સમાનતાનો નિયમ (રૂલ ઓફ યુનિવર્સિલિટી) લાગુ કર્યો છે. હવે પર્ફોમન્સ સાથે ન જોડાયું હોય એ પણ ઇપીએફની ગણતરીમાં શામેલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી જેની આવક ઓછી હશે એનું પીએફમાં યોગદાન વધી જશે. તેમની બચત વધારે હશે પણ હાથમાં આવનારી સેલરી ઓછી થઈ જશે. જે લોકોની સેલરી વધારે છે તેમનો પણ હાથમાં આવતો પગાર ઘટી જશે.