વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 1,54,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પણ એક રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવા માટેની ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસની વિનંતીને ફગાવી દેતા મોટો ફટકો પડે તેવું લાગી રહ્યું છે. કારણ કે કેન્દ્ર સરકારે ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસ માટે ફંડ આપવાની ઘસીને ના પાડી છે. જેના કારણે હવે અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળના વેદાંતાના ચિપ્સ ઉત્પાદન માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો મોટો ફટકો પડશે તેવું લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમગ્ર માહિતી બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવામાં આવી છે. રિપોર્ટ મુજબ 28-નેનોમીટર ચિપ્સ બનાવવા માટે ફોક્સકોન અને વેદાંતાના સંયુક્ત સાહસને કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન મળશે નહીં તે અંગે કેન્દ્ર સરકાર તેમને જાણ કરે તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટમાં 28 નેનોમીટર ચિપ્સના નિર્માણ માટે મેન્યુફેક્ચરિંગ ગ્રેડ ટેક્નોલોજી લાયસન્સ ધરાવવા અને ટેક્નોલોજી પાર્ટનર સંબંધિત ખામીઓ હોવાના કારણે ફંડ મેળવવા માટે આ સંયુક્ત સાહસ સરકારના માપદંડોને સંતોષવા માટે સક્ષમ નથી. 


અત્રે જણાવવાનું કે વેદાંતા અને ફોક્સકોને ગત વર્ષે ગુજરાતમાં 1,54,000 કરોડના મૂડી રોકાણ માટે ચિપ્સનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે જાહેરાત કરી હતી. આ બંને કંપનીઓએ સંયુક્ત સાહસની રચના કરી હતી. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ વેદાંતા ફોક્સકોન સેમિકન્ડક્ટર્સ લિં (VFSL) ની સ્થાપના થઈ હતી. આ સાહસમાં વેદાંતાનો 63 ટકા અને ફોક્સકોનનો 37 ટકા હિસ્સો છે. 


નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 2021માં 10 અબજ ડોલરના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનનો શુભારંભ કર્યો હતો અને આ મિશન હેઠળ કેન્દ્ર સરકાર સેમીકન્ડક્ટર સેક્ટરમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમ હેઠળ કેટલાક પસંદ કરાયલા ચિપ્સ ઉત્પાદકોને સબસિડી આપવાનો પણ  ભારત સરકારનો હેતુ છે. ફોક્સકોને ચિપમેકિંગ સંયુક્તસાહસમાં જોડાવવા ઉપરાંત ભારતમાં એપલની પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં પણ રોકાણ કર્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube