રૂપિયા મજબૂત થતા શેરબજારમાં તેજી, સેન્સેક્સે 36 હજારની સપાટી વટાવી
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયેલું બજાર મંગળવારે તેજી સાથે ખુલ્યું હતું.
નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે બંધ થયેલા શેરબજારમાં મંગળવારે તેજી દેખાઈ હતી. મંગળવારે સવારે સેન્સેક્સ 145.79 પોઈન્ટની તેજી સાથે 35999.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. તો નિફ્ટી 47.20 પોઈન્ટની તેજી સાથે 10784.80ના સ્તર પર ખુલી હતી. મંગળવારે સવારે આશરે 10.35 કલાકે 30 શેરવાળો સેન્સેક્સ 291.41 પોઈન્ટના વધારા સાથે 36,144.97ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. લગભગ આ સમયે 50 શેરવાળી નિફ્ટી 88.50 પોઈન્ટના લધારા સાથે 10826ના સ્તર પર કારોબાર કરી રહી છે.
સેન્સેક્સ 36 હજારની પાર
આ પહેલા સોમવારે સેન્સેક્સ 156.28 પોઈન્ટના ઘટાડા સાથે 35,853.56ના પોઈન્ટ પર અને નિફ્ટી 57.35 પોઈન્ટના ઘટાડા સાથે 10,737.60 પર બંધ થઈ હતી. પરંતુ મંગળવારે બજારમાં તેજી જોવા મળતા સેન્સેક્સે 36 હજારની સપાટી વટાવી લીધી છે. તો નિફ્ટી પણ 10800ના સ્તરની ઉપર પહોંચી ગઈ છે.
આ શેરમાં આવી તેજી
સપ્તાહના બીજા દિવસે બજારમાં લગભગ તમામ સેક્ટરોમાં તેજી જોવા મળી હતી. બેન્ક, એનર્જી તથા આઈટીના શેરોમાં વધુ તેજી જોવા ણળી હતી. હીરો મોટો કોર્પ, ઇનફોસિસ, વિપ્રો, ઝી એન્ટરટેઇનમેન્ટોના શેરોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. તો એચસીએલ ટેક, ભારતી એરટેલ તથા ગેલમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
રૂપિયો થયો મજબૂત
બજાર ખુલવાની સાથે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. રૂપિયો લગભગ 16 પૈસાની મજબૂતીની સાથે 70.77 પ્રતિ ડોલરની કિંમતે ખુલ્યો હતો. સોમવારે રૂપિયો 70.93 રૂપિયા પ્રતિ ડોલરની કિંમત સાથે બંધ થયો હતો.