શેર બજાર કકડભૂસ, સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા, આ શેરમાં થયો મોટો કડાડો
લોકસભા ચૂંટણી 2019 અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે એ સંજોગોમાં શેર બજારમાં મંદીનો માહોલ પ્રવર્તિ રહ્યો છે. શેર માર્કેટ સતત તૂટી રહ્યું છે. સતત નવમા દિવસે પણ શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ નિફ્ટી કકડભૂસ થયા છે. છેલ્લા આઠ વર્ષમાં આવું પ્રથમવાર બન્યું છે કે સતત નવ દિવસ સુધી શેર બજાર તૂટ્યું હોય.
મુંબઇ : શેર બજાર સતત તૂટી રહ્યું છે. સોમવારે સતત નવમા દિવસે પણ શેર બજારમાં મંદીનો માહોલ દેખાયો હતો. સોમવારે પણ બજાર કડાકા સાથે બંધ થયું છે. બજારની આ સ્થિતિ છેલ્લા નવ દિવસથી જોવા મળી રહી છે. 8 વર્ષમાં આવું પહેલી વખત બન્યું છે કે બજાર સતત નવમા દિવસે પણ ઘટાડા સાથે બંધ થયું છે. છેલ્લા કલાકમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી જેને પગલે સેન્સેક્સ 372 પોઇન્ટ તૂટી બંધ થયો હતો. આ અગાઉ સેન્સેક્સ 37100 નીચે આવી ગયો છે તો નિફ્ટી પણ 11150 પોઇન્ટ સુધી નીચે આવ્યો છે.
વેપારના અંતમાં બીએસઇના 30 શેરવાલા મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 372.17 પોઇન્ટ એટલે કે 0.99 ટકાના ઘટાડા સાથે 37090.82 સપાટીએ બંધ થયો હતો તો એનએસઇના 50 શેરવાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 130.70 પોઇન્ટ એટલે કે 1.16 ટકાના ઘટાડા સાથે 11,148.20 પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો.
PSU બેંક અને ફાર્મામાં કડાકો
સોમવારે વેપારમાં નિફ્ટીના આઇટીને છોડીને તમામ સેક્ટરોલ ઇન્ડેક્સ લાલ રંગ સાથે બંધ થયા હતા. વેપાર દરમિયાન સૌથી વધુ કડાકો પીએસઇ બેંક અને ફાર્મા સેક્ટરમાં જોવા મળ્યો હતો. તો ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને પાવર ઇન્ડેક્સમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
મિડ અને સ્મોલકેપમાં ભારે વેચવાલી
મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી હતી. દિગ્ગજ શેર સાથે મિડકેપની પણ જોરદાર પીટાઇ થઇ હતી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.80 ટકા તૂટીને 14125 સપાટીએ બંધ થયો જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 2.15 ટકા તૂટી 13800 સપાટીએ બંધ રહ્યો. ઓઇલ એન્ડ ગેસ શેરમાં પણ ભારે વેચવાલી જોવા મળી જેને કારણે બીએસઇના ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.25 ટકા તૂટી બંધ થયો.