શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 792 પોઇન્ટ તૂટી 39000 ની નીચે પહોંચ્યો
શેર બજારમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ગત સપ્તાહે જોબ ડાટા મજબૂત થવાથી અમેરિકી કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની સંભાવનાઓ ઘટી જતાં એશિયન બજારમાં નકારાત્મક અસર પડી રહી છે.
નવી દિલ્હી : બજેટ 2019 (Budget 2019) રજુ થયા બાદ બજારમાં વેચવાલીનો દોર ચાલુ છે જેને પગલે સોમવારે ઉઘડતી બજારે સેન્સેક્સમાં ભારે કડાકો નોંધાયો છે. સેન્સેક્સ 792 પોઇન્ટ તૂટીને 39 હજારની અંદર આવ્યો છે. સેન્સેક્સની સાથોસાથ નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો છે. બજેટ બાદ સતત બીજા દિવસે બજારમાં નરમ વલણ રહેતાં ચિંતાનો માહોલ છવાયો છે.
મોદી સરકાર 2.0 નું પ્રથમ બજેટ ગત સપ્તાહે નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. પરંતુ આ બજેટ રજૂ થયાના ઉઘડતી બજારના પ્રથમ દિવસે શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સોમવારે સવારે સેન્સેક્સ 39112.76 પોઇન્ટ સાથે બજાર ખુલ્યું હતું. જે સવારે 10 વાગે 39151 પોઇન્ટ પર પહોંચતાં વધારાનો અહેસાસ થયો હતો. પરંતુ વધારાનો આ ટ્રેન્ડ લાંબો સમય ચાલ્યો ન હતો બાદમાં આખો દિવસ બજાર સતત ડાઉન જોવા મળ્યું હતું. જે છેવટે 792 પોઇન્ટના ઘટાડા સાથે 38720.57 પોઇન્ટ પર બંધ થયું હતું.
સેન્સેક્સની સાથોસાથ નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ 252.55 પોઇન્ટ એટલે કે 2.14 ટકા સાથે 11,558.60 પોઇન્ટ પર બંધ થયો હતો. દિવસના કામકાજ દરમિયાન સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો અને એનએસઇના મુખ્ય સંવેદી સૂચકાંક નિફ્ટીમાં પણ 288 પોઇન્ટનો કડાકો દેખાયો હતો. કમજોર વિદેશી બજારના સંકેત અને સ્થાનિક રોકાણકારોમાં બજેટના પ્રસ્તાવોને લઇને નિરાશાજનક પરિણામને પગલે ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે પણ કડાકાનો દોર રહ્યો હતો.