Sovereign Gold Bonds: સસ્તા ભાવે સોનું વેચી રહી છે સરકાર, ફક્ત આ લોકો તેને ખરીદી શકશે; જાણો કયા ભાવે મળશે?
RBI Gold Scheme: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે 2022-23 ની ચોથી સિરીઝ હેઠળ ગોલ્ડ બોન્ડ યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ સસ્તું સોનું 6થી 10 માર્ચ દરમિયાન ઉપલબ્ધ રહેશે.
નવી દિલ્હીઃ Reserve Bank of India: જો તમે પણ સસ્તું સોનું ખરીદવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. સરકાર તરફથી સસ્તું સોનું ખરીદવાની તક આપવામાં આવી રહી છે. તમે સરકારી સ્વર્ણ બોન્ડ (SGB) યોજનામાં ફરી રોકાણ કરી શકશે. સોમવારથી 5 દિવસ માટે ખુલી રહેલી ગોલ્ડ બોન્ડ સ્કીમ માટે 5611 રૂપિયા પ્રતિ ગ્રામની કિંમત નક્કી કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે 2022-2023ની ચોથી સિરીઝ હેઠળ ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bonds) શરૂ કરવામાં આવી રહી છે.
6થી 10 માર્ચ સુધી મળશે સોનું
આ યોજના હેઠળ 6 થી 10 માર્ચ સુધી સસ્તું સોનું મળશે. આ માટે ઈશ્યુની કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવી છે. આરબીઆઈના નિવેદન અનુસાર, 'ઓનલાઈન અથવા ડિજિટલ મોડ દ્વારા ગોલ્ડ બોન્ડ માટે અરજી કરવા અને ચૂકવણી કરનારા રોકાણકારો માટે ઈશ્યૂની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 50થી ઓછી હશે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,561 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
આ પણ વાંચોઃ હોળી પહેલાં આવી ખુશખબર, ખાવાની આ વસ્તુ થઈ સસ્તી, સરકારે આયાત ડ્યૂટી હટાવી
આરબીઆઈ જારી કરે છે ગોલ્ડ બોન્ડ
હકીકતમાં કેન્દ્રીય બેન્ક ભારત સરકાર તરફથી ગોલ્ડ બોન્ડ જારી કરે છે. આ નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિન્દુ પરિવાર, ટ્રસ્ટ, યુનિવર્સિટી અને ચેરિટેબલ સંસ્થાઓને જ વેચી શકાય છે. સબ્સ્ક્રિપ્શનની મહત્તમ મર્યાદા વ્યક્તિઓ માટે 4 kg, HUF માટે 4 kg અને ટ્રસ્ટ અને સમાન સંસ્થાઓ માટે 20 kg નાણાકીય વર્ષ દીઠ છે.
ગોલ્ડ બોન્ડ સ્કીમ સૌપ્રથમ નવેમ્બર 2015માં સોનાની ભૌતિક માંગ ઘટાડવાના હેતુથી રજૂ કરવામાં આવી હતી. બીજી તરફ બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં નરમાઈ જોવા મળી રહી છે. શુક્રવારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું ઘટીને 56,103 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. તે જ સમયે ચાંદી 64139 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube