જો તમે પણ શેર બજારમાં રોકાણ  કરતા હોવ તો આ સમાચાર તમારે જાણવા ખુબ જરૂરી છે. આજથી સ્ટોક માર્કેટમાં શેરોની લે વેચ માટે નવી સિસ્ટમ લાગૂ થઈ છે. આ સિસ્ટમ છે T+0 સેટલમેન્ટ સિસ્ટમ. એટલે કે એકબાજુ તમે શેર વેચ્યા અને બીજી બાજુ એ જ દિવસે તમારા  ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) તરફથી એવી કંપનીઓની એક યાદી પણ બહાર પાડવામાં આવી છે જેમાં 28 માર્ચ 2024 એટલે કે આજથી આ સિસ્ટમ લાગૂ થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન બાદ ભારત બીજો દેશ
હાલ ભારતીય શેર બજારમાં T+1 (ટ્રેડિંગ + એક દિવસ)ની સિસ્ટમ લાગૂ છે. જ્યારે દુનિયાના મોટાભાગના શેર બજારોમાં T+2 સિસ્ટમ પર ડીલ થાય છે. T+0 વ્યવસ્થા લાગૂ કરનાર ભારત ચીન બાદ બીજો દેશ બનશે. નોંધનીય છે કે સેબીના ચેરપર્સને માધવી પુરી બુચે તાજેતરમાં કહ્યું હતું કે શેરોની લે વેચની ક્વિક ડીલ સેટલમેન્ટની વ્યવસ્થા માર્ચ 2025થી લાગૂ કરવામાં આવશે. 


બે તબક્કામાં લાગૂ થશે સિસ્ટમ
બજાર નિયામક સેબી (SEBI) તરફથી આ મામલે અગાઉ પણ જાણકારી શેર કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે શેર બજારમં આ સિસ્ટમ બે તબક્કામાં લાગૂ કરાશે. પહેલા તબક્કામાં T+0 સેટલમેન્ટ સિસ્ટમને દિવસના 1.30 વાગ્યા સુધીના ટ્રેડ માટે શરૂ કરાશે. જેમાં પૈસા અને શેરોની સેટલમેન્ટની પ્રક્રિયાને સાંજે 4.30 વાગ્યા સુધીમાં પૂરી કરી લેવાશે. બીજા તબક્કામાં વૈકલ્પિક ક્વિક સેટલમેન્ટનો વિકલ્પ રહેશે જેમાં ફંડ્સની સાથે સિક્યુરિટીઝ બંનેનું ટ્રેડ ટુ ટ્રેડ સેટલમેન્ટ કરાશે. 


BSE ની યાદીમાં આ 25 સ્ટોક સામેલ
શેર બજારમાં T+0 સેટલમેન્ટ સિસ્ટમ હાલ વૈકલ્પિક આધાર પર લાગૂ થઈ રહી છે. બીએસઈએ આ માટે શરૂઆતમાં 25 કંપનીઓના શેરોની યાદી બહાર પાડી છે. જેમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેંક ઓફ બરોડા, ભારત પેટ્રોલિયમ, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફોર્ઝ, ડિવિઝ લેબ, હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન હોટલ્સ કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એલટીઆઈ માઈન્ડટ્રી, એમઆરએફ, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી, પેટ્રોનેટ એલએનજી, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા કમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતા સામેલ છે. 


શું છે આ T+0 સેટલમેન્ટ
15 માર્ચના રોજ સેબીએ ટી પ્લસ ઝીરો સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી. જેને 28 માર્ચથી લાગૂ કરવામાં આવનાર છે. આ નવા નિયમ મજુબ જો તમે કોઈ પણ શેરની ખરીદી કે વેચાણ કરો છો તો તે જ દિવસે તમારા ડીમેટ એકાઉન્ટમાં પૈસા આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે. 


(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ ચોક્કસ લેવી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube