દેશના સૌથી મોંઘેરા શેરમાં જેનું નામ સામેલ છે તે MRF બુધવારે કારોબાર દરમિયાન 10 ટકા  તેજી સાથે 1.5 લાખ રૂપિયા પર પહોંચી ગયો. જો કે પછી ગગડ્યો અને 1.11 ટકાના ઘટાડા સાથે 134969.45 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. પણ આજે ફરીથી તેમાં 0.61 ટકાનો ઉછાળો એટલે કે 822.05 રૂપિયાનો હાલ ઉછાળો જોવા મળ્યો છે અને તે 1,35,700 રૂપિયાના સ્તરે જોવા મળ્યો છે. પહેલીવાર દેશનો કોઈ શેર આ કિંમતે પહોંચ્યો છે.  ગત વર્ષ જૂનનમાં તેની કિંમત એક લાખ પાર પહોંચી હતી અને આ મુકામ મેળવનાર તે દેશનો પહેલો શેર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MRF દેશમાં ટાયર બનાવનારી સૌથી મોટી કંપની છે અને દુનિયાની ટોપ 20 ટાયર કંપનીઓમાં તે સામેલ છે. તે દ્વિચક્કી વાહનોથી લઈને ફાઈટર વિમાનો માટે ટાયર બનાવે છે. આજે ભલે તેની ઓળખ ટાયર બનાવનારી કંપની તરીકે છે પરંતુ એક સમયે તે બાળકો માટે ફુગ્ગા બનાવતી હતી. તેનું આખું નામ મદ્રાસ રબ્બર ફેક્ટરી છે. આજે તની માર્કેટ કેપ 57,242.47 કરોડ રૂપિયા છે. એક નજર MRF ની સફળતા પર....


K. M. Mammen Mappillai
કેરળના એક ખ્રિસ્તિ પરિવારમાં જન્મેલા એમ મેમન માપિલ્લાઈએ દેશની આઝાદીના એક વર્ષ પહેલા એટલે કે 1946માં ચેન્નાઈમાં ફુગ્ગા બનાવવાનું એક નાનકડું યુનિટ સ્થાપ્યું. વર્ષ 1952 તેમના માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. તેમણે જોયું કે એક વિદેશી કંપની ટાયર રિટ્રેડિંગ પ્લાન્ટને ટ્રેડ રબરનો સપ્લાય કરી રહી હતી. રિટ્રેડિંગ જૂના ટાયરોને ફરીથી ઉપયોગ  કરવા લાયક બનાવવાને કહે છે અને ટ્રેડ રબર ટાયરનો ઉપરનો ભાગ હોય છે જે જમીન સાથે સંપર્ક બનાવે છે. માપિલ્લાઈના મગજમાં એક વાત ખટકી,  તેમણે વિચાર્યું કે આપણા દેશમાં જ ટ્રેડ રબર બનાવવા માટે ફેક્ટરી કેમ ન ઊભી કરી શકાય?


તક સાધી વિદેશી કંપનીઓના બાર વગાડ્યા
માપિલ્લાઈને આ તક સારી લાગી. તેમણે ફુગ્ગાના ધંધાથી કમાયેલી બધી પૂંજી ટ્રેડ રબર બનાવવાના બિઝનેસમાં લગાવી દીધી. આ રીતે મદ્રાસ રબર ફેક્ટરી એટલે કે MRF નો જન્મ થયો. આ ટ્રેડ રબર બનાવનારી ભારતની પહેલી કંપની હતી. માપિલ્લાઈની હરિફાઈ વિદેશી કંપનીઓ સાથે હતી. ગણતરીના સમયમાં તેમનો બિઝનેસ લોકપ્રિય બની ગયો. ચાર વર્ષમાં કંપનીએ પોતાની હાઈ ક્વોલિટીના પગલે 50 ટકા બજાર ભાગીદારી મેળવી લીધી. સ્થિતિ એવી હતી કે અનેક વિદેશી મેન્યુફેક્ચરર દેશ છોડીને જતા રહ્યા. માપિલ્લાઈના બિઝનેસમાં વર્ષ 1960માં ફરીથી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેમનો બિઝનેસ ખુબ સારો ચાલતો હતો. પરંતુ તેઓ ફક્ત ટ્રેડ રબર સુધી સિમિત રહેવા માંગતા નહતા. તેમની નજર ટાયરો પર હતી. 


MRF એક સારી બ્રાન્ડ બની ચૂક્યું હતું અને કંપની હવે ટાયરના માર્કેટમાં આવવા માંગતી હતી. તે સમયે માપિલ્લાઈને વિદેશી કંપનીઓની મદદની જરૂર હતી. તેમણે અમેરિકાની મેન્સફિલ્ડ ટાયર એન્ડ રબર કંપની સાથે  ટેક્નિકલ સહયોગ લીધો અને ટાયર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી દીધુ. વર્ષ 1961માં એમઆરએફની ફેક્ટરીથી પહેલું ટાયર બનીને નીકળ્યું હતું. તે વર્ષે કંપની મદ્રાસ સ્ટોક એક્સચેન્જમાં પોતાનો આઈપીઓ લઈને આવી હતી. તે સમયે ઈન્ડિયન ટાયર મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝ પર ડનલપ, ફાયરસ્ટોન અને ગુડયર જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો હતો. MRF એ ભારતના રસ્તાઓ મુજબ ટાયર બનાવવાનું શરૂ કર્યું. તે આટલેથી જ ન અટકી. એક સારી માર્કેટિંગ સ્ટાઈલથી કંપની ટાયર માર્કેટમાં છવાઈ ગઈ. 


મસલમેનનો જન્મ
વર્ષ 1964માં MRF મસલમેનનો જન્મ થયો. જે કંપનીના ટાયરની મજબૂતાઈ દર્શાવે છે. મસલમેનનો ઉપયોગ ટીવી જાહેરાતો અને હોર્ડિંગ્સમાં કરવામાં આવ્યો. ત્યારબાદ કંપની વર્ષ 1967માં યુએસએને ટાયર એક્સપોર્ટ કરનારી ભારતની પહેલી કંપની બની. 1973માં MRF વ્યવસાયિક રીતે નાયલોન ટ્રાવેલ કાર ટાયરોનું મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કરનારી ભારતની પહેલી કંપની બની. એમઆરએફે વર્ષ 1973માં પહેલું રેડિયલ ટાયર બનાવ્યું હતું. પહેલીવાર વર્ષ 2007માં MRF એ એક અબજ અમેરિકી ડોલરનો કારોબાર કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આગામી ચાર વર્ષમાં કંપનીનો વેપાર વધીને 4 ગણા સુધી  પહોંચી ગયો. એમઆરએફ હાલ કોમર્શિયલ વિમાનો સાથે જ ફાઈટર વિમાનો માટે પણ ટાયર બનાવે છે. 


ફાઈનાન્શિયલ યર 2024ના બીજા ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ પાંચ ગણો વધીને 572 કરોડ રૂપિયા રહ્યો. આ સાથે જ કંપનીની રેવન્યૂ 6.5 ટકાની તેજી સાથે 6088 કરોડ પર પહોંચી. કંપનીનો એબિટા બમણો વધીને 1,129.09 કરોડ રૂપિયા રહ્યો અને ઓપરેટિંગ માર્જિન 1038 બેસિસ અંક ઉછળીને 18.55 ટકા પહોંચી ગયો. કંપનાના શેર પોતાના 20 દિવસ, 100  દિવસ અને 200 દિવસના મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. બુધવારે બપોરે કારોબાર દરમિયાન 1.5 લાખ સુધી પહોંચી ગયો હતો. તે દેશનો સૌથી મોંઘો શેર છે. ત્યારબા પેજ ઈન્ડસ્ટ્રીઝ  (37,770 રૂપિયા), હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા (37,219 રૂપિયા), 3એમ ઈન્ડિયા (34,263 રૂપિયા), શ્રી સીમેન્ટ (26,527 રૂપિયાા)નો નંબર છે. વર્ષ 1990માં એમઆરએફના શેરની કિંમત 332 રૂપિયા હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube