લિજ્જત પાપડ એ આજે મલ્ટી મિલિયન ડોલર વેન્ચર છે. 2019માં તેણે 1600 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. 2021માં જારી થયેલા આંકડા મુજબ લિજ્જત ભારતભરની 45000 મહિલાઓને રોજગાર આપે છે. જે દરરોજ 4.8 મિલિયન એટલે કે 48 લાખ પાપડ બનાવે છે. જો કે તેની શરૂઆત સાત મહિલાઓએ ઉધારના 80 રૂપિયાથી કરી હતી. પહેલા દિવસે લિજ્જતના ફક્ત 4 પેકેટ બનાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે થઈ શરૂઆત?
વર્ષ 1959ની વાત છે. મુંબઈના ગિરગાંવમાં રહેતી સાત ગુજરાતી ગૃહિણીઓએ નક્કી કર્યું કે તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરશે. જસવંતીબેન જમનાદાસ પોપટ, પાર્વતીબેન રામદાસ થોડાણી, ઉજામ્બેન નરંદાદાસ કુંડલિયા, બાનુબેન એન તન્ના, લગુબેન અમૃતલાલ ગોકાણી, જયબેન વી વિઠ્ઠલાણી અને દીવાળીબેન લુક્કાએ છગનલાલ કરમસી પારેખ નામના એક સામાજિક કાર્યકર પાસેથી પોતાના વ્યવસાય માટે 80 રૂપિયા ઉધાર લીધા. જસવંતીબેન પોપટની વાત કરીએ તો તેઓ મૂળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજના છે. પરંતુ મુંબઈમાં રહે છે. 1930માં જન્મેલા જસવંતીબેન હાલ 93 વર્ષના છે. જેઓ સ્ત્રી સશક્તિકરણની જીવંત મિસાલ છે. 


આ અર્ધ સાક્ષર મહિલાઓએ ભોજન બનાવવાના પોતાના એકમાત્ર કૌશલનો ભરપૂર ફાયદો ઉઠાવતા પાપડ બનાવવાનો નિર્ણય લીધો. એક ઈન્ટરવ્યુમાં જસવંતીબને જણાવ્યું કે અમે ઓછા ભણેલા હતા, જેનાથી અમને નોકરી મળવાની શક્યતા ઓછી થઈ ગઈ હતી. પરંતુ અમે મહેસૂસ કર્યું કે પાપડ  બનાવવાની અમારી વિશેષતાનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરી શકાય છે જેથી કરીને અમારા પતિઓને તેમની નાણાકીય જવાબદારી ઓછી કરવામાં મદદ મળી શકે. 


15 માર્ચ 1959ના રોજ તમામ સાત મહિલાઓએ મુંબઈના ભીડભાડવાળા વિસ્તારમાં એક જૂની ઈમારતની છત પર ભેગા થઈને પાપડના ચાર પેકેટ તૈયાર કર્યા. એક વર્ષમાં તેમણે 6000 રૂપિયાથી વધુના પાપડ વેચ્યા. 1962માં એક કેશ પ્રાઈઝ સ્પર્ધામાં પસંદ થયા બાદ બ્રાન્ડનું નામ લિજ્જત પડ્યું. 


ધીરે ધીરે મહિલાઓની સંખ્યા સેંકડોમાંથી વધીને હજારોમાં થઈ ગઈ. 2021 સુધીમાં લિજ્જત સાથે કામ કરનારી મહિલાઓની સંખ્યા 45000થી વધુ હતી. હાલ લિજ્જતની દેશભરમાં 82 જેટલી શાખાઓ છે. લિજ્જતના ઉત્પાદનોનું વેચાણ અમેરિકા અને સિંગાપુર જેવા દેશોમાં પણ થાય છે. હવે લિજ્જત પાપડ ઉપરાંત ખાખરા, બેકરી પ્રોડક્ટ્સ, અને અનેક પ્રકારના મસાલા પણ ઉત્પાદન કરે છે. 


મહિલાઓ જ કર્તાહર્તા
લિજ્જત પાપડ બિઝનેસની પ્રત્યેક મહિલા સદસ્ય પોતાની પાપડ બનાવવાની ક્ષમતા અને સંગઠનમાં સ્થિતિ મુજબ કમાણી કરે છે. કામ એવું છે કે કેટલીક મહિલાઓ તો પતિ કરતા પણ વધુ કમાણી કરે છે. સંગઠનના અધ્યક્ષ સ્વાતિ રવિન્દ્ર પરાડકરે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે અમારી કેટલીક મહિલાઓ તેમના પતિ કરતા પણ વધુ કમાણી કરે છે અને તે બદલ તેમનો પરિવાર તેમને સન્માન આપે છે. 


અત્રે જણાવવાનું કે લિજ્જતમાં પુરુષોને ફક્ત ડ્રાઈવર, દુકાન સહાયક, અને સહાયક તરીકે જ ભરતી કરવામાં આવે છે. કંપનીની સંરચના એવી છે કે પાપડ રોલ કરનારી મહિલાઓનું પદ વધતું જાય છે.


મળ્યો છે પદ્મશ્રી પુરસ્કાર
નવેમ્બર 2021માં લિજ્જત પાપડની સાત મહિલાઓમાંથી એક એવા 90 વર્ષના સહસંસ્થાપક જસવંતીબેન જમનાદાસ પોપટને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા હતા. વર્ષ 2005માં દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે લિજ્જતને બ્રાન્ડ ઈક્વિટી એવોર્ડથી પણ નવાજ્યા હતા. વર્ષ 2003માં લિજ્જતને દેશનો સર્વોત્તમ કુટિર ઉદ્યો સન્માન મળ્યું હતું. વર્ષ 2002માં ઈકોનોમિક્સ ટાઈમ્સે બિઝનેસ વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube