માણસ જો એકવાર મનમાં નક્કી કરી લે કે આ કામ તો મારે પાર પાડીને જ દમ લેવો છે તો એવું કહેવાય છે કે પ્રકૃતિ તેને આ કામમાં મદદ  કરવા લાગી જાય છે. એટલે કે જો તમે એકવાર દ્રઢતાથી નક્કી કરી જ લો કે આ કામ મારે કરવું જ છે તો તે પાર પડતા કોઈ રોકી શકતું નથી. મહેનત અને સમજદારીથી દુનિયામાં કઈ પણ મુકામ હાંસલ કરી શકાય છે. દુનિયામાં એવા અનેક લોકો છે જેમણે મહેનતના દમ પર પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે. આવા જ લોકોની યાદીમાં સામેલ છે રેણુકા આરાધ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમય એવો પણ હતો કે જ્યારે રેણુકા આરાધ્યા ગલીઓમાં ભીખ માંગતા હતા. પરંતુ આજે તેઓ 40 કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. રેણુકાની કંપનીમાં અનેક લોકો નોકરી કરે છે. એવા લોકો કે જેમને જીવનમાં નોકરી ન મળવા કે પૈસા કમાવવા અંગે પરેશાની ઝેલતા હોય તોમના માટે રેણુકા આરાધ્યાએ એક જબરદસ્ત મિસાલ રજૂ કરી છે. બાળપણથી કપરી પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા રેણુકાએ આજે  એટલી મોટી સફળતા મેળવી છે કે જાણીને દંગ રહી જશો. એક સમયે ભીખ માંગનાર વ્યક્તિએ કેવી રીતે કરોડોની કંપની ઊભી કરી તે ખાસ જાણો. 


પડકારોનો સામનો કર્યો
રેણુકા આરાધ્યા બેંગ્લુરુ પાસે આવેલા એક નાનકડા ગામડાના રહીશ છે. રેણુકાનો જન્મ એક ગરીબ પૂજારી પરિવારમાં થયો હતો અને બાળપણ ખુબ જ ગરીબીમાં પસાર થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે રેણુકાએ અભ્યાસ કરવા માટે બીજાના ઘરોમાં નોકરની જેમ કામ કરવું પડતું હતું. યેનકેન પ્રકારે તેમણે 10માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ પાસેના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. પૂજા બાદ રેણુકા અને પિતા ઘરે ઘરે જઈને લોકો પાસે ચોખા, લોટ અને દાળ માંગતા હતા. આ રીતે તેમના ઘરનું ગુજરાન ચાલતું હતું. અભ્યાસ છૂટી ગયા બાદ પિતાએ તેમને બીજાના ઘરોમાં ઘરેલુ કામકાજ માટે લગાવી દીધા. રેણુકા  ત્યારથી ઘરોમાં જઈને ઝાડૂ પોતા અને વાસણ ધોવાનું કામ કરવા લાગ્યા. 


મજૂરી કરવી પડી
2 વર્ષની ઉંમરમાં રેણુકાએ લગ્ન કરી લીધા. રેણુકાનું માનવું હતું કે લગ્ન તેમને જવાબદાર બનાવી દેશે. આ બધા વચ્ચે તેઓ સિક્યુરિટી ગાર્ડની નોકરી અને મજૂરી કરતા રહ્યા. તેમના પત્ની પણ કોઈ ફર્મમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. જે બાદમાં દરજી બની ગયા. રેણુકા પર જવાબદારી વધી રહી હતી. જેના કારણે તેમણે લેથ મશીન પર કામ ચાલુ કર્યું. ત્યારબાદ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કર્યું. પછી તેમણે પોતાનો સૂટકેસ કવરનો ધંધો શરૂ કર્યો. આ ધંધામાં તેમને 30 હજારનું નુકસાન થયું. આ નુકસાન તેમને ફરીથી સિક્યુરિટી ગાર્ડની નોકરી પર લઈ આવ્યું. 


ટ્રાવેલ એજન્સીમાં કર્યું કામ
રેણુકા હંમેશાથી જીવનમાં કઈ મોટું કરવા માંગતા હતા. જેના કારણે તેમણે સિક્યુરિટી ગાર્ડની નોકરી છોડી અને ડ્રાઈવિંગ શીખવાનું શરૂ કર્યું. ઘણી મહેનત બાદ તેઓ એક સારા ડ્રાઈવર બની ગયા. થોડા દિવસો બાદ તેમણે એક ટ્રાવેલ એજન્સી જોઈન કરી. આ ટ્રાવેલ એજન્સીમાં તેઓ વિદેશી પર્યટકોને ફેરવવાનું કામ કરતા હતા. જેમાં તેમને સારી ટિપ્સ પણ મળતી હતી. લગભગ 4 વર્ષ સુધી ડ્રાઈવર તરીકે તેમણે કામ કર્યું અને ત્યારબાદ તેમણે પોતાની ટ્રાવેલ એજન્સી ખોલવાનો વિચાર કર્યો. 


આ રીતે બનાવી કંપની
રેણુકાએ પોતાની સેવિંગ અને બેંક પાસેથી મદદ લઈને પહેલી કાર ખરીદી અને Pravasi Cabs Pvt.Ltd. નામની એક કંપનીની શરૂઆત કરી. આ કારને એક વર્ષ ચલાવ્યા બાદ તેમણે વધુ એક કાર ખરીદી. રેણુકાને ખબર પડી કે એક કેબ કંપનીની સ્થિતિ ખરાબ ચાલી રહી હતી તો તેઓ પોતાનો બિઝનેસ વેચવા માંગતા હતા. આ દરમિયાન રેણુકાએ લગભગ 6 લાખ રૂપિયામાં તે કંપનીને ખરીદી લીધી. કંપની પાસે તે સમયે લગભગ 35 કેબ હતી. અહીંથી તેમની સફળતાની કહાની શરૂ  થઈ. 


રેણુકાને અસલી સફળતા ત્યારે મળી જ્યારે અમેઝોન ઈન્ડિયાએ પોતાના પ્રમોશન માટે તેમની પસંદગી કરી. ધીરે ધીરે વોલમાર્ટ, જનરલ મોટર્સ જેવી મોટી મોટી કંપનીઓ રેણુકા સાથે કામ કરવા લાગી. સમય પસાર થતા તેમની કંપનીનું ટર્નઓવર 40 કરોડ રૂપિયાને પાર ગયું. આજે તેમણે આ કારોબાર દ્વારા દોઢસોથી વધુ લોકોને રોજગારી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube