Success Story : ખેડૂત પુત્રથી બાલાજી વેફરના એમડી સુધીની સફર, 1 લાખ ખેડૂતોને આપે છે રોજીરોટી
- કાલાવડ તાલુકાના નાના એવા ગામડામાંથી આવતો ખેડૂત પુત્ર આજે છે મોટા બિઝનેસમેન
- જીવનના અંત સુધી આગળ વધવાનો છે ધ્યેય
- સિનેમાઘરની કેન્ટીનથી શરૂ કરી 3 પ્લાન્ટની સ્થાપના કરી 10 રાજ્યોમાં વેફર્સની સપ્લાય કરી રહ્યાં છે
- રાજકોટની શાન અને ભારતનું એક અગ્રણી ફૂડ ઉત્પાદક અને વિક્રેતા એટલે બાલાજી વેફર્સ
રક્ષિત પંડ્યા/રાજકોટ :વેફર્સની દુનિયામાં આગવુ નામ ધરાવતી બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત બહાર પોતાનો બીજો પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે. વર્ષ 2016માં મધ્યપ્રદેશમાં તૈયાર કરેલ પ્લાન્ટ બાદ બાલાજી વેફર્સ હવે ગુજરાત બહાર ઉત્તરપ્રદેશમાં પોતાનો બીજો પ્લાન્ટ તૈયાર કરવા જઇ રહ્યું છે. બાલાજી વેફર્સ (balaji wafers) ના એમડી અને ચેરમેન ચંદુભાઇ વિરાણી (chandubhai virani) એ જણાવ્યું હતું કે બાલાજી વેફર્સ દ્વારા વર્ષ 2016માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે ગુજરાત બહારનો પ્રથમ પ્લાન્ટ હતો અને હવે બીજો પ્લાન્ટ ઉત્તરપ્રદેશ ખાતે કાનપુર-લખનઉ નજીક બનાવવા વિચાર ચાલી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કંપની દ્વારા 100 એકરની વિશાળ જગ્યામાં અંદાજીત 600 થી 700 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવવા વિચાર ચાલી રહ્યો છે, જે માટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી બાદમાં તેમની સૂચના અને માર્ગદર્શન બાદ ફૂડ પાર્ક શરૂ કરવામાં આવશે.
કોણ છે ચંદુભાઇ વિરાણી..?
ચંદુભાઇ વિરાણી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા ધૂંધોરાજી ગામના ખેડૂત પુત્ર છે. વર્ષ 1974માં તેઓ નોકરીની શોધમાં રાજકોટ આવ્યા હતા અને એ સમયે રાજકોટની એક માત્ર એસ્ટ્રોન સિનેમાઘરમાં 2 વર્ષ સુધી કેન્ટીનમાં નોકરી કરતા હતા બાદમાં કેન્ટીનનું સંચાલન તેઓએ સાંભળ્યું હતું અને કેન્ટીનની સાથે 8 વર્ષ સુધી એક શાળામાં કેન્ટીનનું સંચાલન શરૂ કર્યું હતું. કંઈક કરવાના ઉદ્દેશ સાથે ચંદુભાઇ વિરાણી પોતાના જીવનમાં આગળ વધતા ગયા અને પોતાના ઘરે વેફર્સ બનાવવાની શરૂઆત કરી હતી. ચંદુભાઇ વિરાણીએ જણાવ્યું હતું કે તેઓની આ પ્રાથમિક શરૂઆત દરમિયાન લોકો એવું માનતા કે પેકેટમાં બંધ આવતી વેફર ની ગુણવતા સારી ન હોય અને આ માનસિકતા દૂર કરવા તેઓ સારી ગુણવતા યુક્ત વેફર્સ આપવા દ્રઢ નિશ્ચય કર્યો હતો અને બાદમાં કાલાવડ રોડ પર તેઓએ પ્લાન્ટ ની સ્થાપના કરી લોકોને ગુણવતા યુક્ત પેકેટ વેફર્સ પહોંચાડવા કામ શરૂ કર્યું હતું.
બાલાજી વેફર્સ યુપીમાં 100 એકર જગ્યામાં ફૂડ પાર્ક બનાવશે, એક સમયે સિનેમાની કેન્ટીનથી શરૂ કર્યો હતો બિઝનેસ
1 લાખ જેટલા ખેડૂતો સાથે જોડાયેલા છે
રાજકોટથી શરૂઆત કરી બાદમાં વલસાડ અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પ્લાન્ટ શરૂ કરી કંપની દ્વારા 5000 લોકોને રોજીરોટી પૂરી પાડવામાં આવે છે. એમડીના જણાવ્યા મુજબ 3 પ્લાન્ટ સાથે આજે 1 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને આ 1 લાખ ખેડૂતોના બટેટા ઉપયોગ કરી બાલાજી વેફર્સ અલગ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે. આજે 3 પ્લાન્ટ થકી 800 થી વધુ ડીલર સાથે જોડાઈ અને 10 રાજ્યોમાં બાલાજી વેફર્સ નાનામાં નાના ગામડાના છેવાડા સુધી પહોંચી રહી છે.
વિદેશમાં પણ બાલાજી વેફર્સ પ્લાન્ટ શરૂ કરવા ટીમ સક્ષમ
હાલમાં રાજકોટ સહિત વલસાડ અને ઇન્દોરમાં મળી બાલાજી વેફર્સના 3 પ્લાન્ટ કાર્યરત છે અને આગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં નવા પ્લાન્ટની શરૂઆત કરવા કંપની દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. છેલ્લા 10 વર્ષથી કંપનીનો કાર્યભાળ ચંદુભાઇ વિરાણીના પુત્ર અને આગળની પેઢી ચલાવી રહી છે. તેઓને વિશ્વાસ છે કે તેમની ટીમ વિદેશમાં પણ પ્લાન્ટ સ્થાપવા સક્ષમ જરૂર છે. પરંતુ વિદેશમાં પ્લાન્ટ શરૂ કરવા હાલના તબક્કે કોઇ વિચાર નથી. તેઓનું મુખ્ય ધ્યેય એક છે કે જીવનના અંત સુધી બસ આગળ ને આગળ વધવું છે. અને તેમાં તેઓ સફળ થઇ રહ્યા છે માટે જ ખેડૂત પુત્ર થી લઇ આજે તેઓ ભારતના ખ્યાતનામ બિઝનેસમેંન સુધી પહોંચ્યા છે.