પ્રેમલ ત્રિવેદી/પાટણ :આધુનિક સમયમાં દરેક વ્યવસાય (business) માં નવી પદ્ધતિ અને નવા અવસરોને લીધે બદલાવ આવી રહ્યા છે. ખેતી એ અનાદિકાળથી માનવજાતનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. પરંતુ, સમયની સાથે તેમાં પણ આજે અનેક પરિવર્તનો થયા છે. આજે ખેડૂત પરંપરાગત ખેતીની સાથે વધુ ઉત્પાદન, સારું આર્થિક વળતર અને પ્રકૃતિનું પણ જતન થાય એવી પ્રાકૃતિક ખેતી (ogranic farming) ની નવી પદ્ધતિઓ તરફ વળ્યો છે અને એમાં સફળ થઈ રહ્યો છે. ત્યારે પાટણની એક મહિલા પ્રકૃતિ (environment) નું જતન જે વાતને ધ્યાને રાખીને મધમાખી પાલન કરી આજે સારી એવી કમાણી કરી આત્મનિર્ભર મહિલા (Aatmanirbhar Gujarat) બન્યા છે. તેમણે ગુજરાતની અન્ય મહિલાઓ કેવા પ્રકારે ઉછેર અને તેમાંથી કેવા કેવા પ્રકારના મધ મેળવી શકાય તેની માહિતી પણ શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધુનિક સમયમાં મહિલાઓ પુરુષ સમોવાડી બની છે. પુરુષના ખભેથી ખભો મિલાવી મહિલાઓ કામ કરી અને આત્મનિર્ભર બની રહી છે. પાટણ પંથકમાં રહેતા તનવીબેને વર્ષ 2021 માં મધમાખી પાલનની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તેઓએ મધમાખી ઉછેર માટે 100 બોક્સ મંગાવ્યા હતા. જેને તેઓએ ખેતરોમાં જ્યાં સરસવ અને અજમાનો પાક હોય ત્યાં ગોઠવ્યા હતા. આ બોક્સમાં રહેલ મધમાખીઓનું વૈજ્ઞનિક ઢબે પાલન અને તેની યોગ્ય સારસંભાળ કરી તન્વીબેને સારા પ્રમાણમાં મધ મેળવ્યું હતું. તેમણે સારી એવી આવક મેળવી હતી. 



તેમને મધમાખી પાલનની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે વાત કરતાં તન્વીબેને કહ્યું કે, વર્ષ 2016 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ડીસા ખાતે આવ્યા હતા. ત્યારે તેમણે ખેડૂતોને મધમાખી પાલન કરીને ‘સ્વીટ ક્રાંતિ’ માટે આહ્વાન કર્યું હતું. જેના થકી ખેડૂત સારી આવક પણ મેળવી શકે છે. ત્યાર પછી મેં આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. મધમાખી પાલન અંગેની વિગતવાર માહિતી મેળવીને પ્રથમ 100 મધમાખી બોક્સ વસાવ્યા હતા. જેના થાકી સારા પ્રમાણમાં મધ મળ્યું અને સારી આવક પણ થઈ. મેં આ માટે રૂપિયા 4 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાંથી ખર્ચ બાદ કરતા 5.5 લાખની ચોખ્ખી આવક મને થઈ હતી. 



મધ મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે તન્વીબેનને પુછાતા તેમણે જણાવ્યું કે, એક મધમાખીના બોક્સમાં 40 થી 50 હજાર મધમાખીઓ હોય છે. એક બોક્સમાં 10 ફ્રેમ હોય છે. જેના પર મધમાખી 10 મધપુડા તૈયાર કરે છે. જે ફ્લેવરનું મધ જોઈતું હોય તે મુજબના ખેતરમાં આ તમામ માધમાખી ભરેલ બોક્સ ગોઠવવાં પડે છે. હાલ તો સરસવ અને વરયાળીની સીઝન હોવાને કારણે તે વાવેતર પાસે આ બોક્સ મૂકવામાં આવે છે. એટલે સરસવ અને વરિયાળીના ફ્લેવરનું મધ મળે છે. તેમ સીઝન મુજબ અલગ અલગ પ્રકારનું મધ લેવામાં આવે છે. 



મધ ઉછેર થકી વૈજ્ઞાનિક ઢબે મધનું ઉત્પાદન મેળવી રહ્યાં છે અને સારા પ્રમાણમા મધ અને આવક મળતા તેમણે બીજા તબક્કામાં 500 જેટલાં મધમાખી બોક્સ વસાવી લીધા છે. જેથી હવે મધનું ઉત્પાદન પણ વધુ મળી શક્યુ છે. વર્ષ દરમ્યાન આ મધમાખી ઉછેર અને તેના થાકી મળતા મધ પાછળ કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જેની સામે 10 થી 12 લાખ રૂપિયાની આવક થાય છે. આ પ્રકારે પ્રાકૃતિક ખેતી સાથે મધમાખી ઉછેર કરીને પણ આવકની સાથે જમીનમા જંતુનાશક દવાનો ઉપયોગ પણ ઘટશે અને તંદુરસ્તી માટે પણ મધ ઉપયોગી બનશે. એટલે પ્રકૃતિના જતન સાથે તંદુરસ્તી પણ જળવાઈ રહેશે. 


મધમાખીના ઉછેર અને તેમાંથી મળતા ઓર્ગનિક મધના વ્યવસાય માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા બોક્સ પર 55 ટકા સબસીડી સહાય ખેડૂતોને આપવામાં આવે છે તેવુ નાયબ બાગાયત નિયામક મુકેશ ગલવાડીયાએ જણાવ્યું.