નવી દિલ્હીઃ અમેરિકાની જાણીતી ઈલેક્ટ્રિક કાર 'ટેસ્લા' આગામી વર્ષે ભારતીય બજાર સર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના CEO એલન મસ્કે એક ટ્વીટ દ્વારા આ બાબતની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર અમેરિકા, યુરોપ અને ચીનના બજાર પછી હવે કંપની કયા માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે એ સવાલના જવાબમાં કંપનીના સીઈઓ એલન મસ્કે જણાવ્યું કે, તેઓ હવે આગામી વર્ષે ભારત, આફ્રિકા અને દ.અમેરિકાના બજારમાં 'આંશિક હાજરી' અને ત્યાર બાદ 2020માં સંપૂર્ણ રીતે પ્રવેશ કરવા માગે છે. 


આ પ્રથમ ઘટના નથી જ્યારે મસ્કે ભારતીય બજારમાં પ્રવેશ અંગેની રસ દેખાડ્યો હોય. ગયા વર્ષે પણ તેણે એક ટ્વીટમાં ભારતમાં ઉનાળામાં પ્રવેશ અંગે એક હિન્ટ આપી હતી. 


આ અગાઉ, ટેસ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2017માં તેઓ તેમના 'Model 3' સાથે ભારતીય બજારમાં પ્રવેશ કરશે, જ્યારે તેણે વર્ષ 2016માં વૈશ્વિક બજારમાં પ્રથમ કાર રજૂ કરી હતી. 



ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ગયા વર્ષે જણાવ્યું હતું કે તે દેશમાં જાહેર પરિવહન ક્ષેત્રે 100 ટકા ઈલેક્ટ્રિક વ્હિકલને લાવવા માગે છે અને 2030 સુધીમાં ભારતમાં વ્યક્તિગત વપરાશમાં 40 ટકા ઈલેક્ટ્રિક વ્હિકલનો ઉપયોગ લાગુ કરવા માગે છે. જોકે, આ વર્ષની શરૂઆતમાં સરકારે પોતાનો અભિગમ બદલ્યો હતો અને જણાવ્યં હતું કે, ઈલેક્ટ્રિક વ્હિકલ અંગેની નીતિ નિર્માણ દરમિયાન ટેક્નોલોજીને કાયદા-કાનુનના પેચમાં ફસાવામાં નહીં આવે. 


સપ્ટેમ્બર 2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેન જોઝ ખાતે આવેલી ટેસ્લા કંપનીની ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને કંપની દ્વારા કરવામાં આવેલી નવી શોધ, ખાસ કરીને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રેમાં જે સંશોધ કરાયું છે તેમાં રસ દેખાડ્યો હતો. તેનો ઉપયોગ અંતરિયાળ વિસ્તારોમાં કરી શકાય એમ છે. 


2014માં ટેસ્લાએ જણાવ્યું હતું કે, તે ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે આતુર છે અને એશિયાનો પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ લગાવવા માટે તેણે ભારતમાં જગ્યા પણ શોધી લીધી છે. 


જોકે, કંપનીએ જણાવ્યું હતું કે, ઈન્પોર્ટેડ વાહનો પર ભારે આયાત કરવેરો અને ઈલેક્ટ્રીક કાર માટે એક અલગ કેટેગરી તેમને ભારતના વિશાળ માર્કેટમાં પ્રવેશતાં અટકાવી રહી છે.  


ઉલ્લેખનીય છે કે, ટેસ્લા ઈલેક્ટ્રીક કાર હોવાની સાથે મુસાફરોની સુરક્ષા બાબતમાં અનેક ફીચર્સ ધરાવે છે. અમેરિકા, કેનેડા અને યુરોપના બજારમાં તો ટેસ્લા કારે ધૂમ મચાવેલી છે.