Tomato New Price: મોંઘાદાટ ટામેટાથી મળશે છૂટકારો! સરકારે ટામેટાના ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવો ભાવ
Tomato Rate: સરકારી છૂટવાળા ટામેટા હવે વધુ સસ્તા થયા છે. એનસીસીએફ અને એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના બજારોમાંથી ટામેટાની ખરીદી કરી રહ્યા છે. આ ટામેટાની ખરીદી બાદ જ્યાં ગત મહિનામાં કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે ત્યાં આ ટામેટાને વેચવામાં આવી રહ્યા છે.
સરકારી છૂટવાળા ટામેટા હવે વધુ સસ્તા થયા છે. ટામેટાનો ભાવ હવે 70 રૂપિયાથી ઘટીને વધુ સસ્તો થયો છે. જો કે રિટેલ માર્કેટમાં હજુ પણ ટામેટાનો ભાવ લગભગ 100થી 150 રૂપિયા પ્રતિ કિલો છે. થોડા અઠવાડિયા પહેલા આ ભાવ 180-200 રૂપિયા પ્રતિ કિલો હતો. જથ્થાબંધ બજારમાં ભાવમાં ઘટાડાના કારણે કેન્દ્રએ સોમવારે સહકારી સમિતિઓ NCCF અને નાફેડને મંગળવારે 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટામેટા વેચવા માટેના નિર્દેશ આપ્યા હતા. ઘરેલુ ઉપલબ્ધતા વધારવા અને ધીમી કિંમત વૃદ્ધિ માટે, NCCF અને NAFED બંને જુલાઈ મહિનાથી સસ્તા ભાવ પર ટામેટા વેચી રહ્યા છે.
એક કિલો ટામેટાના ભાવ ઘટીને 50 રૂપિયા
દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં કન્ઝ્યૂમર અફેર મિનિસ્ટ્રી તરફથી રાહત દરે ટામેટા વેચવામાં આવી રહ્યા છે. મંત્રાલયે શરૂઆતમાં ભલામણ કરી કે બંને સહકારી સમિતિઓ 90 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ટામેટા વેચે. ત્યારબાદ તેની કિંમત ઘટાડીને 80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી. ત્યારબાદ વધુ ભાવ ઘટાડીને 70 રૂપિયા પ્રતિ કિલો કરાઈ. હવે આ ભાવમાં કાપ કરીને 50 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યો છે.
15 લાખ કિલો ટામેટા ખરીદ્યા
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે હાલના કાપ બાદ હવે ગ્રાહકોને ટામેટા 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પડશે. અત્યાર સુધીમાં બંને સહકારી સમિતિઓ (nccf અને nafed) એ મળીને કુલ 15 લાખ કિલો ટામેટાની ખરીદી કરી છે. તેમને દેશના રિટેલ બજારમાં ગ્રાહકોને વેચવામાં આવશે. આ વેચાણ કેન્દ્રોમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન (જયપુર, કોટા), ઉત્તર પ્રદેશ (લખનઉ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ), અને બિહાર (પટણા, મુઝફ્ફરપુર, આરા, બક્સર) સામેલ છે.
સરકારે અહીંથી કરી ખરીદી
એનસીસીએફ અને એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રના બજારોમાંથી ટામેટાની ખરીદી કરી રહ્યા છે. આ ટામેટાની ખરીદી બાદ જ્યાં ગત મહિનામાં કિંમતોમાં સૌથી વધુ વધારો થયો છે ત્યાં આ ટામેટાને વેચવામાં આવી રહ્યા છે. મંત્રાલયના આંકડા મુજબ સમગ્ર ભારતમાં ટામેટાની સરેરાશ કિંમત 14 જુલાઈએ 9,671 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને સોમવારે 9,195 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. આપૂર્તિની સમસ્યાઓને કારણે, મહત્વપૂર્ણ ઉત્પાદક ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે ટામેટાના ભાવ પર અસર થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube