નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે નોટબંધીના બે વર્ષ પૂરા થવા પ્રસંગે ગુરૂવારે નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓ પર નિશાન તાકતા કહ્યું કે, અર્થતંત્રમાં 'વિનાશ' વેરનારા એ પગલાની અસર હવે સ્પષ્ટપણે વર્તાવા લાગી છે. તેનાથી દેશનો દરેક નાગરિક પ્રભાવિત થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનમોહન સિંહે એક નિવેદનમાં જણાવ્યું કે, મોદી સરકારે હવે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જેનાથી દેશના અર્થતંત્રના સંદર્ભમાં અનિશ્ચિતતાની સ્થિતિ પેદા થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "નરેન્દ્ર મોદી સરકારે 2016માં અત્યંત ત્રુટિપૂર્ણ રીતે અને સંપૂર્ણ વિચારણા કર્યા વગર જ નોટબંધીનું પગલું ભર્યું હતું. આજે તેના બે વર્ષ થયા છે.ભારતીય અર્થતંત્ર અને સમાજ સાથે કરવામાં આવેલા આ વિનાશની અસર હવે દરેકને જોવા મળી રહી છે."


સિંહે જણાવ્યું કે,"નોટબંધીની દરેક વ્યક્તિ પ્રભાવિત થયો હતો. પછી ભલે તે ગમે તેટની વયનો હોય, કોઈ પણ જાતિનો, કોઈ પણ ધર્મનો કે કોઈ પણ વ્યવસાયનો હોય. દેરક વ્યક્તિ પર તેની અસર થઈ હતી. દેશના મધ્યમ અને નાના ઉદ્યોગ-ધંધા હજુ પણ નોટબંધીના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવી શક્યા નથી."


ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી, જેના અંતર્ગત તેમણે એ સમયે ચલણમાં રહેલી રૂ.500 અને રૂ.1000ની નોટ ચલણમાંથી રદ્દ કરી નાખી હતી. 


કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ આ અંગે ટ્વીટ કરી છે કે, "બે વર્ષ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી અને તેને લાગુ કરવાના ત્રણ કારણ ગણાવ્યા હતા. પ્રથમ, તેનાથી કાળું નાણું બહાર આવશે, બીજું, નકલી ચલણ બંધ થઈ જશે અને ત્રીજું, આતંકવાદને આર્થિક સહાય પર અસર થશે, પરંતુ તેમાંથી એક પણ ઉદ્દેશ્ય પૂરો થયો નથી."


મનીષ તિવારીએ જણાવ્યું કે, વાસ્તવિક્તા એ છે કે, પીએમ મોદીએ જ્યારે નોટબંધી કરી હતી તેની સરખામણીમાં અત્યારે વધુ રોકડ વ્યવહાર થઈ રહ્યા છે. 


સરકાર તરપથી નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, "નોટબંધી અર્થતંત્રમાં સુધારા માટે લેવાયેલું મહત્વપૂર્ણ પગલું હતું. સરકારે પહેલા ભારતમાંથી બહાર રહેલા કાળા નાણા પર ગાળિયો બાંધ્યો હતો. જેમણે દેશની બહાર કાળુ નાણું જમા કરી રાખ્યું હતું તેમને પાછું લાવવા અને કર ચૂકવવા કહેવાયું હતું. જે આમ કરવામાં નિષ્ફળ રહ્યા તેમની સામે કાર્યવાહી કરાઈ હતી."