આનંદો.. બંધ નહીં થાય 50 કરોડ મોબાઈલ નંબર, UIDAIએ કરી સ્પષ્ટતા
હાલમાં મીડિયામાં ચાલી રહેલા અહેવાલ કે 50 કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાના છે તેનાથી જો તમે પરેશાન હશો તો તમારા માટે રાહતના સમાચાર છે.
નવી દિલ્હી: હાલમાં મીડિયામાં ચાલી રહેલા અહેવાલ કે 50 કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થવાના છે તેનાથી જો તમે પરેશાન હશો તો તમારા માટે રાહતના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સંયુક્ત નિવેદન જારી કરીને મીડિયામાં ચાલી રહેલા આવા કોઈ પણ અહેવાલને ફગાવ્યાં છે તથા તેને પાયાવિહોણા ગણાવ્યાં છે. UIDAIના નિવેદનમાં કહેવાયું છે કે આ પ્રકારના અહેવાલો મોબાઈલ ગ્રાહકોની અંદર એક પ્રકારનું ભયનું વાતાવરણ તૈયાર કરી રહ્યાં છે. તેમાં કોઈ સચ્ચાઈ નથી. લોકોએ આવા અહેવાલો પર ધ્યાન આપવું જોઈએ નહીં. આવું કઈ થવાનું નથી.
દેશમાં આશરે 100 કરોડ મોબાઈલ કનેક્શન
અગાઉ એવા અહેવાલ આવ્યાં હતાં કે દેસમાં 50 કરોડ મોબાઈલ યૂઝર્સના નંબર બંધ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે આ જોખમ એવા મોબાઈલ ધારકો માટે છે જેમણે કનેક્શન લેવા માટે આધાર કાર્ડ સિવાય બીજુ કોઈ ઓળખપત્ર આપ્યું નથી. અત્રે જણાવવાનું કે દેશમાં લગભગ 100 કરોડ મોબાઈલ કનેક્શન છે. જો 50 કરોડ મોબાઈલ નંબર બંધ થવાની અહેવાલ સાચા પડત તો કુલ મોબાઈલ કનેક્શનના તે અડધા હોત. અહેવાલોમાં એમ પણ કહેવાયું હતું કે ફક્ત આધાર કાર્ડ આપીને મોબાઈલ કનેક્શન લેનારા લોકોએ નવી KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આધાર વેરિફિકેશન દ્વારા લેવાયેલા આ સિમ કાર્ડને જો કોઈ બીજી આઈડેન્ટિફિકેશન પ્રક્રિયાનો બેકઅપ ન મળ્યો તો તે બંધ થઈ શકે છે. ત્યારબાદ આધાર દ્વારા KYC પ્રક્રિયામાંથી પસાર થનારા યૂઝર્સ ખુબ ચિંતામાં હતાં.
50 કરોડ મોબાઈલ નંબર બંધ થઈ શકે છે, સૌથી વધુ જોખમ રિલાયન્સ JIOના ગ્રાહકોને
યૂઝર્સ પરેશાન ન થાય તેવા ઉપાયો પર થયો વિચાર
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ બુધવારે ટેલિકોમ સેક્રેટરી અરુણ સુંદરરાજને આ મામલે ટેલિકોમ કંપનીઓ સાથે મુલાકાત કરી અને ઓથેન્ટિકેશનના કોઈ બીજા ઉપાયો પર વિચાર કર્યો. આ સમસ્યાને લઈને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ યુઆઈડીએઆઈ સાથે વાતચીત કરી રહ્યું છે.
અરુણ સુંદરરાજને જણાવ્યું કે આ વિષયને લઈને સરકાર ગંભીર છે અને તેમાંથી બહાર નીકળવા માટે બીજા વિચારો પર ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું કે સરકાર ઈચ્છે છે કે નવી પ્રક્રિયાના કારણે લોકોને પરેશાન ન થવું પડે. તેમણે જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે એક સરળ પ્રક્રિયા હેઠળ આ કામ થાય. જેમાં ગ્રાહકોને ઓછામાં ઓછી સમસ્યાનો સામનો કરવો પડે.
જિયોના ગ્રાહકોને સમસ્યા
અત્રે જણાવવાનું કે રિલાયન્સ JIOએ ફક્ત આધાર કાર્ડ લઈને સૌથી વધુ મોબાઈલ કનેક્શન આપેલા છે. JIOનો આખો ડેટાબેઝ અને નેટવર્ક ઓપરેશન બાયોમેટ્રિક ઓળખ પર આધારિત છે. આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં જિયોના 25 કરોડ યૂઝર્સ બની ગયા છે. કંપનીએ બુધવારે આ જાહેરાત કરી હતી. જિયો ઉપરાંત ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને એમટીએનએલના નંબર યૂઝ કરનારા લોકો માટે પણ આ સમસ્યા હતી.