વિજય માલ્યાને ભારત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ, 31 જુલાઈની રાહ જોવાઈ રહી છે
ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા કારોબારી વિજય માલ્યા પર ભારતીય એજન્સીઓને બહુ જલદી મોટી સફળતા મળી શકે છે.
નવી દિલ્હી/જિતેન્દ્ર શર્મા: ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા કારોબારી વિજય માલ્યા પર ભારતીય એજન્સીઓને બહુ જલદી મોટી સફળતા મળી શકે છે. સૂત્રોનો દાવો છે કે વિજય માલ્યાના પ્રત્યાર્પણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અત્રે જણાવવાનું કે વિજય માલ્યાને ભારતમાં પ્રત્યાર્પણ કરાવવાના મામલે 31 જુલાઈએ અંતિમ દલીલ હાથ ધરાવવાની છે. આ જ દિવસે વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર ચુકાદો આવવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. અંતિમ દલીલ દરમિયાન 31 જુલાઈના રોજ સીબીઆઈ અને ઈડીના અધિકારીઓને લંડન કોર્ટમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે.
લાંબા સમયથી ચાલી રહી છે સુનાવણી
નોંધનીય છે કે વિજય માલ્યાના ભારતમાં પ્રત્યાર્પણને લઈને સીબીઆઈ અને ઈડીની અરજી પર લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન માલ્યાએ સીબીઆઈના સાક્ષીઓને લઈને કોર્ટમાં સવાલ ઊભા કર્યા હતાં. આ અગાઉ લંડન કોર્ટ માલ્યાને સંપત્તિ જપ્ત કરવાના મામલે આંચકો આપી ચૂકી છે. ત્યારબાદ વિજય માલ્યાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારતમાં કેટલાક લોકો તેને જબરદસ્તીથી શૂળી પર ચડાવવા તૈયાર છે. તેઓ પોતાનો પ્લાન આપી ચૂક્યો છે.
બેંકોના બાકી લેણા ચૂકવવા તૈયારી બતાવી છે
માલ્યાએ એ પણ કહ્યું છે કે તે બેંકોના બાકી લેણા ચૂકવવા માટે તૈયાર છે. પરંતુ જબરદસ્તીથી સંપત્તિ જપ્ત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. બ્રિટનની કોર્ટે જે આદેશ આપ્યો છે તેમાં કોઈ ફરક નહીં પડે કારણ કે બ્રિટનની મોટાભાગની સંપત્તિઓ તેના પરિવારના નામ પર છે અને પરિવારની સંપત્તિને કોઈ સ્પર્શ પણ ન કરી શકે. ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીતમાં માલ્યાએ કહ્યું હતું કે ભારતમાં આ વખતે ચૂંટણી વર્ષ છે. આવામાં તેઓ મને પાછા લાવીને શૂળી પર લટકાવવા માંગે છે. જેથી કરીને ચૂંટણીમાં તેમને વધુ મત મળે. માલ્યાએ કહ્યું હતું કે તેને ફક્ત પોસ્ટર બોય બનાવવામાં આવી રહ્યો છે.
આ અગાઉ લંડન કોર્ટનો ચુકાદો આવ્યાં બાદ એસબીઆઈના મેનેજિંગ ડાઈરેક્ટર અરિજિત બસુએ કહ્યું હતું કે વિજય માલ્યાની સંપત્તિઓની હરાજીથી બેંકે 963 કરોડ વસૂલ્યા છે. તેમણે કહ્યું હતું કે માલ્યા પાસેથી વસૂલાતના આદેશને લાગુ કરવા સંબંધી બ્રિટન કોર્ટના આદેશથી ખુશી થઈ છે. કોર્ટના આ આદેશ બાદ સમગ્ર બાકી લેણુ વસૂલવાની આશા વધી છે.