1 એપ્રિલથી વિજયા અને દેના બેન્કની બ્રાન્ચ બેન્ક ઓફ બરોડાના રૂપમાં કામ કરવા લાગશેઃ RBI
આ સપ્તાહની શરૂઆતમાં સરકારે બેન્ક ઓફ બરોડામાં 5042 કરોડ રૂપિયાની મૂળી નાખવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઈઃ વિજયા બેન્ક અને દેના બેન્કની શાખાઓ એક એપ્રિલથી બેન્ક ઓફ બરોડાની શાખાઓના રૂપમાં કાર્ય કરવા લાગશે. શનિવારે ભારતીય રિઝર્વ બેન્કે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બંન્ને બેન્કોનો બેન્ક ઓફ બરોડામાં વિલય થઈ ગયો છે. કેન્દ્રીય બેન્કે એક નિવેદનમાં કહ્યું કે, વિજયા બેન્ક અને દેના બેન્કનો બેન્ક ઓફ બરોડામાં વિલય એક એપ્રિલ 2019થી પ્રભાવી થઈ જશે.
આ પહેલા સપ્તાહની શરૂઆતમાં સરકારે બેન્ક ઓફ બરોડામાં 5042 કરોડ રૂપિયાની રકમ આપવાનો નિર્ણય કર્યો હતો. તેનું કારણ વિલયને જોતા બેન્કના મૂડી આધારને વધારવાનો છે. સરકારે બેન્ક ઓફ બરોડામાં વિજયા બેન્ક અને દેના બેન્કના વિલય પહેલા તેમાં (બીઓબી) 5042 કરોડ રૂપિયાની મૂળી નાખવાનો નિર્ણય કર્યો છે.
વિલયની યોજના પ્રમાણે, વિજયા બેન્કના શેરધારકોને પ્રતિ 1000 શેરના બદલે બીઓબીના 402 શેર મળશે. તો દેના બેન્કના શેરધારકોને 1000 શેરોના બદલે બીઓબીના 110 શેર મળશે. સરકારે ગત સપ્ટેમ્બરમાં બીઓબીની સાથે વિજયા બેન્ક અને દેના બેન્કના વિલયની જાહેરાત કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતીય સ્ટેટ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક બાદ ત્રીજી સૌથી મોટી બેન્ક બનાવવાનું છે.