પેટ્રોલ-ડીઝલ પર વેટ કેમ નથી ઘટાડતી રાજ્ય સરકાર? જાણો થોડા ઘટાડાથી કઈ રીતે થાય છે હજારો કરોડનું નુકસાન
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો માટે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષની રાજ્ય સરકારોને ઘેરી. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર વેટ ન ઘટાડતાં કિંમત ઓછી થતી નથી. પરંતુ આખરે એવું તે શું કારણ છે કે રાજ્ય સરકાર વેટ ઘટાડતી નથી.
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યના મુખ્યમંત્રીઓની સાથે બેઠક કરી. આ બેઠક કોરોનાની હાલની સ્થિતિ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી હતી. પરંતુ તેમાં પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં રાહત આપવાની સલાહ આપી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી અને રાજ્યોને ટેક્સ ઓછો કરવાની સલાહ આપી હતી.
પરંતુ કેટલાંક રાજ્યોએ મારી વાત માની નહીં. તેમણે વિપક્ષી પાર્ટીઓના મુખ્યમંત્રીઓને કહ્યું કે મારો આગ્રહ છેકે વેટ ઘટાડો અને નાગરિકોને લાભ પહોંચાડો. પીએમ મોદીએ આ બેઠકમાં મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુનું નામ લીધું. જ્યારે કર્ણાટક અને ગુજરાત જેવા બીજેપી શાસિત રાજ્યોના વખાણ કરતાં કહ્યું કે જો તે વેટ ન ઘટાડત તો તેમને હજારો કરોડો રૂપિયાની રેવન્યુ મળત.
વેટ ઘટાડવાથી કોને કેટલું નુકસાન:
1. કર્ણાટક - 5314 કરોડ રૂપિયા
2. ગુજરાત - 3555 કરોડ રૂપિયા
3. ઉત્તર પ્રદેશ - 2806 કરોડ રૂપિયા
4. રાજસ્થાન - 2415 કરોડ રૂપિયા
5. મધ્ય પ્રદેશ - 2114 કરોડ રૂપિયા
6. પંજાબ - 1949 કરોડ રૂપિયા
7. ઓડિશા - 1154 કરોડ રૂપિયા
8. હરિયાણા - 973 કરોડ રૂપિયા
9. અસમ - 789 કરોડ રૂપિયા
10. બિહાર - 700 કરોડ રૂપિયા
11. જમ્મુ કાશ્મીર - 506 કરોડ રૂપિયા
સરકાર 2,5,7 કે 10 રૂપિયા ઘટાડે તો શું અસર થાય?:
1) 2 રૂપિયા ઘટાડે તો:
બિહાર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં પેટ્રોલમાં 1.30 રૂપિયા અને ડિઝલ પર 1.90 રૂપિયાનો વેટ ઘટાડ્યો હતો. તેનાથી તેમને 6 મહિનામાં 700 કરોડનું નુકસાન થયું છે. આ જ રીતે ઓડિશાએ પ્રતિ લિટર પેટ્રોલ-ડિઝલ પર 3 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જેનાથી તેને 11154 કરોડ રૂપિયાનું નુકસાન થયું.
2) 5 રૂપિયા ઘટાડે તો:
રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ પર 5 અને ડિઝલ પર 4 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જેનાથી સરકારને 2415 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
3) 7 રૂપિયા ઘટાડે તો:
યૂપીએ પેટ્રોલ પર 7 અને ડિઝલ પર 2 રૂપિયા ઘટાડ્યા તો સરકારને 2806 કરોડ રૂપિયાનું નુકસાન થયું. કર્ણાટક સરકારે પેટ્રોલ-ડિઝલ પર 7 રૂપિયાનો વેટ ઘટાડ્યો હતો. તેનાથી તેમને 5314 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ગુજરાતે પણ બંને પર 7 રૂપિયાનો વેટ ઘટાડ્યો તો તેને 3555 કરોડ રૂપિયાનું નુકસાન થયું. હરિયાણા સરકારે નવેમ્બરમાં પેટ્રોલ પર 7 અને ડિઝલ પર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જેનાથી તેમની રેવન્યૂમાં 973 કરોડ રૂપિયા ઓછા આવ્યા. અસમે 7 રૂપિયા ઘટાડ્યા તો 789 કરોડ રૂપિયા, જમ્મુ કાશ્મીરે પણ 7 રૂપિયા ઘટાડ્યો તો 506 કરોડ રૂપિયાનું નુકસાન થયું. મધ્ય પ્રદેશ પણ 7 રૂપિયા વેટ ઘટાડ્યો તો 2114 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું.
4) 10 રૂપિયા ઘટાડે તો:
પંજાબ સરકારે પ્રતિ લિટર પેટ્રોલ પર 10 રૂપિયા અને ડિઝલ પર 5 રૂપિયા ઘટાડ્યા હતા. તેનાથી તેમની રેવન્યૂમાં 1949 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.
પેટ્રોલ-ડિઝલ પર ટેક્સથી કોની કેટલી કમાણી:
1. કેન્દ્ર સરકાર:
પેટ્રોલ પર 27.90 રૂપિયા અને ડિઝલ પર 21.80 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગે છે. એક્સાઈઝ ડ્યૂટીથી કેન્દ્ર સરકારે છેલ્લાં 8 વર્ષમાં 18.23 લાખ કરોડની કમાણી કરી છે. તેમાંથી 2.62 લાખ કરોડ રૂપિયા તો એપ્રિલ 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે મેળવ્યા છે.
2. રાજ્ય સરકાર:
અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ વેટ, સેસ કે બીજા પ્રકારના ટેક્સ પેટ્રોલ-ડિઝલ પર લાગે છે. છેલ્લાં 8 વર્ષમાં રાજ્ય સરકારોએ પેટ્રોલ-ડિઝલ પર ટેક્સમાં 14.26 લાખ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. તેમાંથી 1.89 લાખ કરોડ રૂપિયા તો 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં જ મેળવ્યા છે.