સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને મળશે 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમને ખુશી છે કે દેશના તમામ ભાગોમાંથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમયાંતરે દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આજે આ વર્ષનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ મહાન નાયક રજનીકાંતને આપવાની જાહેરાત કરતા અમને ખુબ ખુશી છે. રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમાની દુનિયામાં રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ ચે કે આ વખતે દાદાસાહેબ ફાળકેની જ્યૂરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.
5 લોકોની જ્યૂરીએ કર્યો એકમતથી નિર્ણય
તેમણે કહ્યું કે આ વર્ષે આ સિલેક્શન જ્યૂરીએ કર્યું છે. આ જ્યૂરીમાં આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઈ સામેલ હતા. જેમણે બેઠક કરીને એકમતથી મહાનાયક રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ભલામણ કરી.
તેમણે વધુમાં કહ્યું કે રજનીકાંતે પોતાની પ્રતિભા, મહેનત અને લગનથી લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. આ તેમનું યોગ્ય ગૌરવ છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે દાદાસાહેબ ફાળકેએ પ્રથમ સિનેમા 1913માં રાજા હરિશચંદ્ર બનાવી હતી. તો તે રાજા હરિશચંદ્ર બાદ તે પહેલી ફિલ્મ ગણવવા લાગી અને દાદાસાહેબ ફાળકેના મૃત્યુ બાદ આ એવોર્ડ તેમના નામે રાખવામાં આવ્યો. અત્યાર સુધી 50 હસ્તીઓને આ એવોર્ડ અપાયો છે.