પીએમ મોદીની સિતારાઓને વોટ કરવાની અપીલ, આમિર ખાને ટ્વીટ કરી આપ્યો જવાબ
વડાપ્રધાને આમિર ખાનને ટેગ કરતા તેમને આગ્રહ કર્યો કે, તે પોતાના ફેન્સને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે.
નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા રાજનેતાઓ, ખેલાડીઓ, અભિનેતાઓને એપ્રિલ-મેમાં યોજાનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાતાઓને મત આપવા પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ આમિર ખાન અને સલમાન ખાનને ટેગ કરતા તેમને આગ્રહ કર્યો કે, તે પોતાના ફેન્સને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. આમિરે પીએમ મોદીના આ ટ્વીટ પર જવાબ આપ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે.
આમિરે પીએમ મોદીને રીટ્વીટ કરતા કહ્યું કે, બિલકુલ યોગ્ય સર, માનનીય પીએમ. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નાગરિક હોવાને નામે અમારે બધાએ તેમાં સામેલ થવું જોઈએ. આવો આપણી જવાબદારી નિભાવીએ અને આપણા મતાધિકારનો ઉપયોગ કરતા આપણો અવાજ બુલંદ કરીએ અને મત આપીએ.
વડાપ્રધાન મોદીએ આ સિવાય પી.વી.સિંધુ, સાઇના નેહવાલ, એમ. કિદાંબી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રતન ટાટા, આનંદ મહિન્દ્રાને પણ ચૂંટણીમાં લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે.