હર હર શંભુ...ગીત ગાઈને નાની ઉંમરમાં આ છોકરીએ મેળવી મોટી સિદ્ધિ, ZEE24કલાક પર જુઓ લાઈવ વીડિયો
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં દરેક ખુણે એક જ ભજન `હર હર શંભુ` સંભળાઈ રહ્યું છે. હર હર શંભુનો રાગ સાંભળી ભોલેનાથના ભક્તો ભકિતમાં લીન થઈ જાય છે.
વિશાલ ગઢવી, અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવભક્તિમાં લીન થઈ રહ્યા છે. આ શ્રાવણ માસમાં 'હર હર શંભુ' ગીત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. જો તમે આ ભજન એકવાર સાંભળ્યું હશે, તો તમને વારંવાર સાંભળવાની ઈચ્છા થઈ જશે. ત્યારે આવો આજે તમને આ સંગીત વિશે તમામ માહિતી આપીએ.
અભિલિપ્સાએ ગાયું છે આ ગીત-
સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલ 'હર હર શંભુ' ગીતને ગાયક કલાકાર અભિલિપ્સા પાંડાએ ગાયું છે. અભિલિપ્સા પાંડા ઓડિશાની રહેવાસી છે. ઝી 24 કલાક સાથે વાત કરતા સમયે અભિલિપ્સાએ જણાવ્યું કે,તેમના ઘરનું વાતાવરણ સંગીતનું હોવાથી તેઓ નાનપણથી સંગીતમાં રસ ધરાવે છે. મે મહિનામાં અભિલિષાએ ગાયેલુ આ ગીતને યૂટ્યૂબમાં 18 મિલિયન વ્યૂઝ મળ્યા છે.
અભિલિપ્સાની નાની ઉમરમાં મોટી સિદ્ધિ-
અભિલિપ્સાના દાદા-દાદી પણ સંગીત સાથે સંકળાયેલા હોવાથી તેઓ નાનપણથી સંગીતમાં રસ ધરાવે છે. 4 વર્ષની ઉંમરે ઓડિશામાં અભિલિપ્સાએ શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતુ. 2014-15માં અભિલિષાએ હિન્દુસ્તાની વોકલ ક્લાસિકલનું વિધિવત શિક્ષણ લીધું હતુ. અભિલિપ્સાએ મંજીલ કેદારનાથથી પોતાના સિંગિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ મે મહિનામાં અભિલિપ્સાએ હર હર શંભુ ગીત ગાઈને યૂટ્યૂબ પર અપલોડ કર્યુ હતુ. જોકે શરૂઆતમાં હર હર શંભુ ગીતને વધુ વ્યૂઅર્સ મળ્યા ન હતા. જૂનમાં હર હર શંભુ ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી. હર હર શંભુ ગીત સુપરહિટ થતા અભિલિપ્સાની ખ્યાતિ વધી છે. તમને જણાવી દઈએ કે,અભિલિપ્સાએ અત્યાર સુધી હિન્દુ, તેલગુ સહિતની વિવિધ ભાષામાં ગીત ગાયા છે. હાલમાં નાની ઉમરમાં જ અભિલિપ્સા વિદેશમાં પણ કાર્યક્રમમાં હાજરી આપી રહી છે.
જીતુ શર્માએ લખ્યુ છે ગીત-
હર હર શંભુ ગીતને જીતુ શર્માએ લખ્યુ છે. આ ગીરના તેલુગુ વર્જનને જીતુ શર્માએ ગાયું છે. પુરુષ અવાજમાં હર હર શંભુ ગીતની વાત કરીએ તો જીતુ શર્માએ 5 મે 2022ના રોજ તેમની યૂટ્યુબ ચેનલ પર આ ગીતને અપલોડ કર્યું હતું. શરૂઆતના સમયમાં આ ગીતને વ્યૂઝ મળ્યા ન હતા. પરંતુ જૂન મહિના સુધીમાં આ ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. હર હર શંભુ શિવ મહાદેવ આજકાલ લગભગ દરેકના મોબાઈલમાં સંભળાય છે.