નવી દિલ્હી: રૂવાંડા ઊભા કરી નાખે તેવી સંવાદ બોલવાની સ્ટાઈલ, એવું ખતરનાક હાસ્ય કે કોઈ પણ શખ્સને નફરત થઈ જાય, કઈ આ રીતે પોતાના પાત્રોમાં ડુબેલા રહેતા હતા પ્રાણકૃષ્ણ સિકંદ. પરંતુ જેવો કેમેરો બંધ થઈ જાય કે લોકોની સામે એક એવો માસૂમ વ્યક્તિ ઊભો હોય કે જેને જોઈને જ લોકો પ્રેમમાં પડી જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોટોગ્રાફર બનવા માંગતા હતા પ્રાણ
પ્રાણ જ્યારે પણ પડદા પર જોવા મળે કે તેમના માટે ખુબ તાળી પડતી અને સીટીઓ વાગતી હતી. દર્શકોએ તેમને ખુબ ચાહતા હતા. 12 ફેબ્રુઆરી 1920ના રોજ દિલ્હીના બલ્લીમારામાં જન્મેલા પ્રાણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેઓ એક દિવસ વિલન તરીકે સિનેમા જગતના મોટા-મોટા સિતારાઓ પર ભારે પડશે. વાત જાણે એમ છે કે હંમેશા તેઓ ફોટોગ્રાફર બનવા માંગતા હતા. તેમણે ઘણા સમય સુધી તેને પોતાનો પ્રોફેશન પણ બનાવ્યો. 


સ્ટાઈલિશ થઈ ગયા હતા પ્રાણ
ફોટોગ્રાફી પ્રાણ માટે એક શોખ નહીં પરંતુ તેમનું ઝૂનુન હતી. તેમણે દહેરાદૂન, દિલ્હી અને શિમલામાં ફોટોગ્રાફર તરીકે ખુબ કામ કર્યું. તેઓ તેમના આ આ કામને ખુબ એન્જોય કરતા હતા. પરંતુ નસીબનો ખેલ જ અલગ છે. ક્યારે કોના માટે શું થઈ જાય તે કોઈ સમજે નહીં. પ્રાણ સાથે પણ કઈક આવું જ થયું. જોવામાં તો તેઓ હંમેશાથી હેન્ડસમ હતા અને ફોટોગ્રાફીના કારણે લગ્ન, પાર્ટીઓ, રામલીલા અને અનેક નાટકોને તસવીરોમાં કેદ કરતા કરતા તેઓ પણ સ્ટાઈલિશ થઈ ગયા હતા. 


પાનની દુકાન પર ચમકી ગયું ભાગ્ય
કહે છે કે પ્રાણ સાહેબને સિગરેટની લત હતી. એકવાર શિમલામાં તેઓ એક પાનની દુકાન પર ખુબ જ સ્ટાઈલમાં સિગરેટ ફૂંકતા હતા. તે સમયે ત્યાં પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લેખક મોહમ્મદ વલી પણ હાજર હતા. તેઓ પ્રાણની સ્ટાઈલ જોઈને તેમનાથી ખુબ પ્રભાવિત થયા. તેઓ ત્યારે તેમની ફિલ્મ યમલા જટ માટે એક યુવકની શોધમાં હતા. આ જ કડીમાં તેમણે પ્રાણને બીજા દિવસે મળવાનું કહ્યું હતું. 


અભિનયમાં નહતો રસ
પ્રાણને ક્યારેય પણ અભિનયમાં રસ નહતો. આવામાં તેમણે મોહમ્મદ વલીની વાતને પણ ગંભીરતાથી લીધી નહીં અને મળવા ન ગયા. ત્યારબાદ થોડા દિવસ પછી પ્રાણની મુલાકાત ફરીથી વલી સાથે થઈ. પરંતુ આ વખતે તેઓ ના પાડી શક્યા નહીં. અને આખરે તેમને મળવા માટે પહોંચી ગયા. પ્રાણને યમલા જટ માટે સાઈન કરી લેવાયા. ત્યારબાદ તેમને અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી. 


ખુલ્લેઆમ પોસ્ટર પર જૂતા મારતા હતા લોકો
પ્રાણ એક પછી એક ફિલ્મ સાઈન કરતા હતા. તેમણે ખાસ કરીને વિલનની ભૂમિકા એટલી જબદસ્ત રીતે પડદા પર ઉતારી કે લોકો તેમને નફરત કરવા લાગ્યા હતા. આ જ તો એક કલાકારની સુંદરતા છે કે તેની ભૂમિકા લોકોને સાચી લાગે. પ્રાણ ઈન્ડસ્ટ્રીના એકમાત્ર કલાકાર ગણાય છે જેમના ખલનાયક બનવા પર લોકોએ તેમને એટલી નફરત કરવાની શરૂ કરી દીધી હતી કે તેમના પોસ્ટર જોઈને લોકો તેમને ગાળો બોલતા અને જૂતા વરસાવતા હતા. 


લોકોએ ગળે લગાવ્યા
પ્રાણનું વિલન સ્વરૂપ જોઈને લોકો ડરવા પણ લાગ્યા હતા. પરંતુ અસલ જીવનમાં તો તેઓ પોતાના પાત્ર કરતા બિલકુલ ઉલ્ટા અને શાંત ગંભીર સ્વભાવના હતા. આવામાં તેમની આ છબીને સુધારવા માટે મનોજકુમારે તેમને પોતાની ફિલ્મ ઉપકારમાં સાઈન કર્યા. આ ફિલ્મમાં તેઓ મલંગ ચાચાની ભૂમિકામાં છવાઈ ગયા. તેમણે આ રોલ એટલો સુંદરતાથી કર્યો કે લોકોને તેમના પર પ્રેમ આવી ગયો. અચાનક લાખો હાથ ગળે લાગવા માટે આગળ વધવા લાગ્યા હતા. 


હીરો કરતા વધુ ફી લેતા હતા
પ્રાણની કરિયરમાં એક સમય એવો પણ આવ્યો કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનારા અભિનેતા બની ગયા હતા. આ મામલે તેમણે અનેક સુપરસ્ટાર્સને પાછળ છોડ્યા હતા. પરંતુ આમ છતાં તેમણે રાજકપૂરની ફિલ્મ બોબી માટે ફક્ત એક રૂપિયો ફી લીધી હતી. કારણ એ હતું કે તે સમયે રાજકપૂર  આર્થિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને પ્રાણ આ વાતથી ખુબ સારી પેઠે વાકેફ હતા. 


આગામી જન્મમાં પણ પ્રાણ જ બનવા માંગતા હતા
પ્રાણે 6 દાયકાની લાંબી કરિયરમાં દર્શકોને ખુબ ડરાવ્યા અને હસાવ્યા પણ ખરા. લોકોને તેમના પ્રત્યે ભારોભાર નફરત થઈ તો અઢળક પ્રેમ પણ થયો. વર્ષ 2013માં એક શાનદાર કલાકારના જીવનનો અંત આવી ગયો. ત્યારે તેઓ 93 વર્ષના હતા. પ્રાણ હંમેશા કહેતા હતા કે આગામી જન્મમાં પણ તેઓ પ્રાણ બનીને જ પેદા થવા માંગતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube