મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવનારા પ્રવીણકુમારનું 74 વર્ષની વયે નિધન
બી આર ચોપડાની સીરિયલ મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવીને અપાર લોકપ્રિયતા મેળવનારા અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે.
નવી દિલ્હી: બી આર ચોપડાની સીરિયલ મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવીને અપાર લોકપ્રિયતા મેળવનારા અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે. પ્રવીણકુમાર 74 વર્ષના હતા. તેઓ પોતાની વિશાળ કદકાઠી માટે પ્રસિદ્ધ હતા. તેમણે અનેક બોલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી. સાડા 6 ફૂટ લાંબા અભિનેતા અને ખેલાડી પંજાબના રહીશ હતા.
એક્ટિંગ પહેલા એથલીટ હતા
એક્ટિંગની દુનિયામાં ડગ માંડતા પહેલા તેઓ એક હેમર અને ડિસ્કસ થ્રો એથલીટ હતા. તેઓ એશિયાઈ ખેલોમાં ચાર મેડલ ( 2 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ) જીતી ચૂક્યા હતા. તેમણે બે ઓલિમ્પિક ખેલ (1968 મેક્સિકો ખેલ અને 1972 મ્યુનિખ ખેલ) માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અર્જૂન એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ખેલના કારણે જ પ્રવીણ કુમારને સીમા સુરક્ષા દલ (BSF) માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી.
70ના દાયકામાં મનોરંજનની દુનિયામાં ડગ માંડ્યા
ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ્સમાં સફળ કરિયર બાદ પ્રવીણ કુમારે 70ના દાયકાના અંતમાં મનોરંજનની દુનિયામાં ડગ માંડ્યા. ટીઓઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રવીણ કુમારે પોતાની પહેલી બોલીવુડ ફિલ્મ સાઈન કર્યાની યાદ વાગોળતા કહ્યું હતું કે તેઓ એક ટુર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતા. તેમની પહેલી ભૂમિકા રવિકાંત નાગાઈચના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં હતી. જેમાં તેમનો કોઈ ડાઈલોગ નહતો.
બીમાર હતા પ્રવીણકુમાર
ગત વર્ષ ડિસેમ્બરમાં પ્રવીણકુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ઘણા સમયથી ઘરમાં જ છે. તબીયત સારી રહેતી નથી અને ખાવાપીવામાં પણ ધ્યાન રાખવાનું રહે છે. સ્પાઈનલ પ્રોબ્લમ હતો. ઘરમાં પત્ની વીણા તેમની દેખભાળ કરતી હતી. એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે અને મુંબઈમાં છે.
આર્થિક તંગીમાં હતા
મહાભારતમાં ભીમની ભૂમિકા ભજવનારા પ્રવીણકુમાર સોબતી નિધન પહેલા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. તેમણે મદદ માટે સરકાર પાસે ગુહાર પણ લગાવી હતી. પેન્શનને લઈને પ્રવીણકુમારે પંજાબ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે પંજાબમાં જેટલી પણ સરકારો આવી તમામ વિરુદ્ધ તેમની ફરિયાદ છે. જેટલા પણ એશિયન ગેમ્સ કે મેડલ જીતનારા પ્લેયર હતા, તે તમામને પેન્શન આપ્યું પરંતુ તેમને ક્યારેય અપાયું નહીં. તેઓ એકમાત્ર એથલીટ હતા જેમણે કોમનવેલ્થને રિપ્રેઝન્ટ કર્યું. આમ છતાં પેન્શન મામલે તેમની સાથે સાવકા જેવો વ્યવહાર થયો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube