બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે 77માં સ્વતંત્રતા દિવસ પર ફેન્સને મોટા ન્યૂઝ આપ્યા છે. તેમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. ખેલાડી અક્ષયકુમારને ભારતનો પાસપોર્ટ મળી ગયો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે દિલ અને સિટીઝનશીપ બંને હિન્દુસ્તાની. હેપી ઈન્ડિપેન્ડન્સ ડે. જય હિંદ. અક્ષય પાસે પહેલા કેનેડાની નાગરિકતા હતી. હવે ફરીથી ભારતની નાગરિકતા મેળવીને અભિનેતા ખુબ ખુશ છે. ફેન્સ સોશિયલ મીડિયા પર અભિનેતાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષયકુમારને મળી ભારતીય નાગરિકતા
મળતી માહિતી મુજબ ઘણા સમયથી અક્ષયકુમાર ભારતની નાગરિકતા લેવાની કોશિશ કરી રહ્યા હતા. કારણ કે તેમની પાસે  ભારતીય નાગરિકતા નહતી. આથી અભિનેતાએ ઘણી આલોચનાનો પણ ભોગ બનવું પડતું હતું. સોશિયલ મીડિયા પર અક્ષયકુમારને લોકો કેનેડા કુમારનો ટેગ આપતા હતા. અભિનેતાને ટ્રોલ કરીને લોકો તેમની ફિલ્મો પર નિશાન સાધતા હતા. લોકો કહેતા હતા કે તમે ઈન્ડિયામાં રહો છો, અહીં તમારી કમાણી થાય છે. પરંતુ તમારી પાસે ભારતીય નાગરિકતા નથઈ. તમે બીજા દેશની નાગરિકતા તમારી પાસે રાખો છો. વિવાદ પર અનેકવાર અભિનેતાએ પોતાની સફાઈમાં કહ્યું હતું કે તેમનું દિલ હિન્દુસ્તાની છે. 



કેવી રીતે મળી હતી કેનેડાની નાગરિકતા?
અભિનેતાએ જણાવ્યું હતું કે 1990-2000ના દાયકામાં તેમની ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ થઈ રહી હતી. તેમની સતત 15 ફિલ્મો નિષ્ફળ ગઈ હતી. ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનના કારણે અક્ષયકુમારે કેનેડા જઈને કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાંની નાગરિકતા માટે અરજી કરી હતી. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે મે વિચાર્યું કે ભાઈ મારી ફિલ્મો ચાલતી નથી અને મારે કામ તો કરતા રહેવાનું છે. હું કેનેડા કામ કરવા માટે ગયો હતો. મારો એક મિત્ર કેનેડામાં હતો. તેણે મને કહ્યું કે અહીં આવી જા. તે સમય દરમિયાન મે કેનેડાની નાગરિકતા માટે અરજી કરી હતી. મારી પાસે ફક્ત બે ફિલ્મો બચી હતી જે રિલીઝ થવાની બાકી હતી. આ મારું સદનસીબ હતું કે બંને બાકી રહેલી ફિલ્મો હીટ થઈ ગઈ અને મારા મિત્રએ કહ્યું કે તું હવે પાછો જતો રહે અને ફરીથી કામ શરૂ કર. મને કેટલીક ફિલ્મો મળી અને ત્યારબાદ હું અટક્યો નહીં. કામ કરતો ગયો. મે ક્યારેય વિચાર્યું નહતું કે મારે આ પાસપોર્ટ બદલાવી લેવો જોઈએ. 


વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મ ઓએમજી-2 બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. ફિલ્મે 4 દિવસમાં 55 કરોડનો વેપાર કર્યો છે. સની દેઓલની ગદર-2 તેની ટક્કરમાં છે. અક્ષયની ફિલ્મને સેન્સર બોર્ડે એ સર્ટીફિકેટ આપ્યું છે. જેની મૂવી કલેક્શન પર અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. રિલીઝ પહેલા પણ આ ફિલ્મ વિશે ખુબ વિવાદ થયો હતો.