સુપરસ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. દુનિયાભરમાં આ ફિલ્મ સફળતાના ડંકા વગાડી રહી છે. આ બધા વચ્ચે અભિનેતા અલ્લુ અર્જૂન એક નવા વિવાદમાં ફસાયા છે. તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારે  ભાગદોડના એક કેસમાં અલ્લુ અર્જૂન પર કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. આ મામલો ફિલ્મ પુષ્પા 2ના પ્રીમીયર શો દરમિયાન થયેલી ભાગદોડ સાથે જોડાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પૂછપરછમાં અલ્લુ અર્જૂનની પૂછપરછ
હૈદરાબાદ સેન્ટ્રલ ઝોન ડીસીપીના નેતૃત્વમાં તેલંગણા પોલીસે અલ્લુ અર્જૂનની ત્રણ કલાક સુધી પૂછપરછ કરી. પોલીસે એ જાણવાની કોશિશ કરી કે પ્રીમિયર શો દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ચૂક કેવી રીતે થઈ. અલ્લુ અર્જૂનને પૂછાયેલા કેટલાક મુખ્ય સવાલો...


- શું તેમને થિયેટરમાં આવવાની મંજૂરી હતી?
- શું તેમની પીઆર ટીમે પોલીસની મંજૂરી લીધી હતી?
- ભાગદોડ વખતે તેમની શું ભૂમિકા હતી?
- શું તેમણે સુરક્ષા માટે બાઉન્સર્સની વ્યવસ્થા કરી હતી?


અલ્લુ અર્જૂનનો પક્ષ અને પોલીસનું વલણ
પૂછપરછ દરમિયાન અલ્લુ અર્જૂને પોલીસના તમામ જવાબ આપ્યા. એવું કહેવાય છે કે પોલીસ તેમના જવાબોથી સંતુષ્ટ હતી. જો કે પોલીસે ઘટનાના સીનને રીક્રિએટ કરવાની યોજના બનાવી છે અને અલ્લુ અર્જૂનને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. 


બદલાની રાજનીતિનો આરોપ
આ મામલાએ  રાજકીય રંગ પણ પકડ્યો છે. ભાજપે તેલંગણાની રેવંત રેડ્ડી સરકાર પર બદલાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે સરકાર અલ્લુ અર્જૂનને જાણી જોઈને નિશાન બનાવી રહી છે. બીજી બાજુ મૃતક મહિલાના પતિએ પોતે અલ્લુ અર્જૂન પર કાર્યવાહી ન કરવાની અપીલ કરેલી છે. 


સરકાર અને અલ્લુ અર્જૂન વચ્ચે તણાવ
રેવંત રેડ્ડી સરકારે આ મામલે કડક વલણ અપનાવેલું છે. બીજી બાજુ અલ્લુ અર્જૂને દરેક સવાલનો જવાબ આપીને સરકારનો સામનો કર્યો છે. આ વિવાદ ફક્ત એક કાનૂની મુદ્દો નથી, પરંતુ રાજનીતક જંગનું સ્વરૂપ લઈ રહ્યો છે. 


અંતિમ સવાલ, કોણ ઝૂકશે?
ફિલ્મ પુષ્પાનો ડાયલોગ 'પુષ્પા ઝૂકેગા નહીં' અલ્લુ અર્જૂનની આ સ્થિતિ પર ફીટ બેસે છે. હવે જોવાનું એ રહેશે કે સુપરસ્ટાર અને મુખ્યમંત્રીના આ ઘર્ષણમાં આખરે કોણ નમે છે?