#Me Too અભિયાન સાથે જોડાયેલી 37 વર્ષની અભિનેત્રીએ 17 વર્ષના બાળ કલાકારનું કર્યું હતું યૌન શોષણ
બાળ કલાકારનો દાવો હતો કે 2013માં કેલિફોર્નિયાની એક હોટલના રૂમમાં 37 વર્ષની અભિનેત્રીએ એ સમયે તેનું જાતીય શોષણ કર્યું હતું જ્યારે તેની ઉંમર 17 વર્ષથી થોડી વધારે હતી, પરંતુ તેને 18 વર્ષ પૂરા થયા ન હતા
ન્યૂયોર્કઃ "મી ટૂ અભિયાન" (#Me Too) પ્રખર વકીલાત કરનારામાં સામેલ રહેલી હોલિવૂડ અભિનેત્રી-નિર્દેશક એશિયા અર્જેન્ટોનું એક પૂર્વ બાળ કલાકાર સાથે સમાધાન થઈ ગયું છે, જેણે તેના ઉપર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વ બાળ કલાકારે ગયા વર્ષે અભિનેત્રી પર આરોપ લગાવ્યો હતો કે એ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે આ અભિનેત્રીએ તેનું જાતીય શોષણ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સને મળેલા દસ્તાવેજો પ્રમાણે અર્જેન્ટોએ પૂર્વ બાળ કલાકાર-સંગીતકાર જિમ્મી બેન્નટ સાથે 3,80,000 ડોલરમાં સમાધાન કર્યું છે. આ રકમ દોઢ વર્ષના સમયગાળામાં ચૂકવવામાં આવશે.
બાળ કલાકારે દાવો કર્યો હતો કે, 2013માં કેલિફોર્નિયાની એક હોટલના રૂમમાં 37 વર્ષની અભિનેત્રીએ તેનું એ સમયે જાતીય શોષણ કર્યું હતું જ્યારે તેની ઉંમર 17 વર્ષથી થોડી વધારે હતા, પંરતુ હજુ તેના 18 વર્ષ પૂરા થયા ન હતા. એટલે કે, જ્યારે તેનું જાતીય શોષણ થયું ત્યારે તેની ઉંમર 18 વર્ષની ન હતી. એટલે કે, જ્યારે તેનું યૌન શોષણ થયું ત્યારે તે નિયમ પ્રમાણે પુખ્ત ન હતો.
દસ્તાવેજો પ્રમાણે અર્જેન્ટોના વકીલે આ રકમ અંગે જણાવ્યું કે, તેનાથી બેન્નટને મદદ મળશે. તેમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, 2013માં એ હોટલમાં શું થયું હતું? વિગતો પ્રમાણે અર્જેન્ટોએ એ દિવસે હોટલમાં ઉપસ્થિત બેન્નટના પરિજનોને જતા રહેવા કહ્યું હતું અને તેની સાથે કેટલોક સમય એકાંતમાં પસાર કરવા માટે આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ તેણે તેને આલ્કોહોલ આપ્યું હતું અને તેના અંગે લખેલી કેટલીક નોટ્સ બતાવી હતી. ત્યાર બાદ અભિનેત્રીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેની સાથે જ બેન્નટને અસંખ્ય ફાટા ખેંચવા માટે પણ જણાવ્યું હતું.
એ દિવસ બાદ એશિયા અર્જેન્ટોએ બંનેના ક્લોઝ-અપ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તેની સાથે જ એવું પણ લખ્યું હતું કે તે પોતાની આગામી ફિલ્મમાં બેન્નટને તક આપશે. આ તમામ બબાતોને કેસના પુરાવા તરીકે રજૂ કરાઈ હતી. ત્યાર બાદ જ બંને પક્ષોમાં સમાધાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે હોલિવૂડના દિગ્ગજ હાર્વે વાઈન્સ્ટીન સામે મી ટૂ અભિયાનની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા જે 13 મહિલાઓએ તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, તેમનામાં અર્જેન્ટો પણ સામેલ હતી. આ અગાઉ એશિયા અર્જેન્ટો તાજેતરમાં જ એ સમયે ઓનલાઈન ટ્રોલ થઈ હતી જ્યારે તેને બોયફ્રેન્ડ અને સેલિબ્રિટી શેફ એન્થોની બોર્ડેને આત્મહત્યા કરી હતી.