સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ, ઘરની બાલ્કનીમાં જ ઉડાવી દેવાનો હતો પ્લાન
અભિનેતા સલમાન ખાનની હત્યાનો પર્દાફાશ થયો છે. આ અંગેનો ખુલાસો બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં કર્યો છે. તેણે તો એટલે સુદ્ધા કહ્યું કે સલમાનના ઘરની રેકી પણ કરવામાં આવી હતી.
નવી દિલ્હી: અભિનેતા સલમાન ખાનની હત્યાનો પર્દાફાશ થયો છે. આ અંગેનો ખુલાસો બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નેહરાએ પોલીસ પૂછપરછમાં કર્યો છે. તેણે તો એટલે સુદ્ધા કહ્યું કે સલમાનના ઘરની રેકી પણ કરવામાં આવી હતી. હરિયાણા પોલીસની એસટીએફે ગત 6 જૂનના રોજ હૈદરાબાદથી સંપત નેહરાની ધરપકડ કરી હતી. સંપત નેહરા પર 2 લાખનું ઈનામ છે અને તે બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવે છે. એસટીએફ સોમવારે (11 જૂન)ના રોજ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હરિયાણા લઈ જશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ગત 6 જાન્યુઆરીના રોજ ખુલ્લેઆમ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલમાન ખાન માટે બિશ્નોઈ દ્વારા મોતની ધમકી 1998ના કાળા હરણની હત્યાના મામલે અપાઈ છે. જેમાં સલમાન ખાન દોષિત ઠર્યો છે.
વીડિયો માટે કરો ક્લિક...સલમાન ખાનની હત્યાના કાવતરાનો પર્દાફાશ
હરિયાણા એસટીએફ નહેરાને હૈદરાબાદની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ પર લાવી છે. એસટીએફએ બુધવારે(6 જૂન)ના રોજ ધરપકડ કરીને હૈદરાબાદમાં કેસ દાખલ કર્યો. ટીમે બીજા દિવસે 7 જૂનના રોજ ત્યાંની જ કોર્ટમાં આરોપી સંપત નહેરાને રજુ કરાયો અને ત્યારબાદ રિમાન્ડ પર લેવાયો. સંપત પર કુલ એક લાખનું ઈનામ જાહેર છે. જેમાંથી પંચકુલામાં 50000 અને રાજસ્થાનમાં પણ 50,000 રૂપિયાનું ઈનામ જાહેર છે. નહેરા પર હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, ખંડણી સહિત બે ડઝનથી વધુ કેસ નોંધાયા છે. કહેવાય છે કે નહેરાએ વિદ્યાર્થી રાજકારણ દ્વારા અપરાધની દુનિયામાં ડગ માંડ્યા અને લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં સામેલ થયો.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નેહરાએ એસટીએફને જણાવ્યું કે તેણે સલમાન ખાનને તેના જ ઘરની બાલ્કનીમાં મારવાની યોજના બનાવી હતી. નહેરાએ જણાવ્યું કે 'સલમાન સામાન્ય રીતે સુરક્ષા વગર જ પ્રશંસકોને મળવા માટે બાલ્કનીમાં આવતો હતો. જ્યાં તેને સરળતાથી મારી શકાતો હતો.' નહેરાએ જણાવ્યું કે આ માટે તેણે બાલ્કની અને પ્રશંસકો વચ્ચેના અંતરનો અંદાજો પણ લગાવ્યો હતો. જેથી કરીને હથિયારોની સગવડ થઈ શકે.
નહેરાએ એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે તે બીજા દેશોમાં ફોન કરીને રૂપિયા મંગાવતો હતો, જે તેને હવાલા દ્વારા મળતા હતાં. તેણે એ વાત પણ કબુલી કે જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પણ તેને રૂપિયાની મદદ કરતો હતો. લોરેન્સ બિશ્નોઈએ સંપત નહેરાને પાંચ વિદેશી નંબર આપ્યા હતાં, જેના પર ફોન કરીને હવાલા નેટવર્કથી તે રૂપિયા મંગાવતો હતો.
હરિયાણા એસટીએફના ડીઆઈજી બી. સતીષ બાલને જણાવ્યું કે સંપતને ફિટનેસનો ખુબ જ શોખ છે અને આથી તે રોજ જિમ જતો હતો. હૈદરાબાદમાં નહેરાના રૂમમાં રહેતા તેલંગણાના યુવકોએ જણાવ્યું કે સંપત નહેરા ઓછુ બોલતો હતો અને મોટાભાગે ફોન પર વ્યસ્ત રહેતો હતો. નહેરા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ સમય પસાર કરતો હતો. સંપત નહેરાના પિતા હરિયાણા પોલીસમાં એએસઆઈના પદેથી સેવાનિવૃત છે. તેનો નાનો ભાઈ સેનામાં છે અને એક બહેનના લગ્ન થઈ ગયા છે. ડીઆઈજીએ જણાવ્યું કે હવે નહેરાનો તેના પરિવાર સાથે કોઈ સંબંધ નથી.