નવી દિલ્લીઃ ફિલ્મ યાહૂથી ફિલ્મી પડદે ડાન્સને નવી ઓળખ આપનારા શમ્મી કપૂર હિંદી સિનેમાના ઉત્તમ અભિનેતા હતા. મુંબઈમાં પંજાબી ખત્રી પરિવારમાં 21 ઓક્ટોબર 1931ના રોજ જન્મેલા શમશેર કપૂર પૃથ્વીરાજ કપૂરના બીજા પુત્ર હતા. રાજ કપૂર શમ્મીના મોટા ભાઈ અને નાના ભાઈ શશી કપૂર હતા. મુંબઈમાં જન્મ્યા હોવા છતાં તેઓએ પોતાનું બાળપણ કોલકત્તામાં પસાર કર્યું હતું. કલકત્તામાં મોન્ટેસરી અને કિંડરગાર્ડનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ તેઓ મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈમાં તેમણે સેન્ટ જોસેફ કોન્વેર્ટ અને ત્યારબાદ ડોન બોસ્કોમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં તેમણે માતુંગાની રૂઈયા કોલેજમાં ભણ્યા બાદ પિતાના પૃથ્વી થિયેટરમાં કામ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શમ્મી કપૂર રૂ. 150 પ્રતિ મહિનાની કરતા હતા નોકરી-
શમ્મી કપૂરને પ્રથમ કામ 1948માં એક જૂનિયર આર્ટીસ્ટ તરીકે મળ્યું હતું અને ત્યારે તેઓ મહિને 150 રૂપિયા કમાતા હતા. હિંદી સિનેમાના બહેતરીન અભિનેતા શમ્મી કપૂરે 1953માં ફિલ્મ જીવન જ્યોતિથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ નાસિર હુસૈનની ફિલ્મ તુમસા નહી દેખામાંથી તેમણે ગંભીર ભૂમિકાઓ ભજવવાની શરૂ કરી હતી.  1961માં આવેલી ફિલ્મ જંગલીએ તેમના ફિલ્મી કરિયરને નવો જ વળાંક આપ્યો હતો. આ ફિલ્મ હિંદી સિનેમમાં તેમની નવી છબિનું નિર્માણ કર્યું હતું. સાયરાબાનુ અને શમ્મી કપૂરે ફિલ્મ જંગલીમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંનેએ પ્રેમી-પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. દાયકા બાદ ફિલ્મ ઝમીરમાં શમ્મી કપૂરે સાયરાબાનુના પિતાની ભૂમિકા ભજવી હતી.


શમ્મી કપૂરનું વધતું વજન તેમની ચિંતા-
1968માં તેમને ફિલ્મ બ્રહ્મચારી માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. શમ્મી કપૂરનું વજન વધતા તેમની કરિયર અટવાઈ ગઈ હતી, તેઓ રોમેન્ટિક ભૂમિકા ભજવી શકતા નહોતા. 1971માં આવેલી ફિલ્મ અંદાજ તેમની હિરો તરીકેની અંતિમ ફિલ્મ હતી. ત્યારબાદ તેઓએ કેટલીક ચરિત્ર ભૂમિકાઓ ભજવી હતી. જેમ કે, જમીર, હિરો, વિધાતા - ફિલ્મી પડદે તેઓ 2006માં આવેલી ફિલ્મ સેન્ડવિચમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારમાં તેમણે મહેમાન ભૂમિકા ભજવી હતી.


 



 


શમ્મી કપૂરના બોલિવૂડમાં પ્રેસ પ્રસંગો-
બોલિવૂડમાં શમ્મી કપૂર અને ગીતા બાલીના રોમાન્સની ખાસ્સી ચર્ચા થતી હતી. 1955માં આવેલી ફિલ્મ રંગીન રાતેમાં શમ્મી અને ગીતાએ સાથે કામ કર્યું હતું. શમ્મી કરતાં એક વર્ષ મોટી ગીતાએ મુંબઈના બાણગંગા મંદિરમાં શમ્મી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક માત્ર સાક્ષી હરિ વાલિયાએ કપૂર પરિવારને લગ્નની માહિતી આપી હતી. ગીતાથી શમ્મીને એક પુત્ર આદિત્ય કપૂર અને પુત્રી કંચન છે. 1965માં ગીતાને અછબડા થતાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 1968માં શમ્મીનુ અભિનેત્રી મુમતાઝ સાથે અફેયર ચાલ્યું હતું. ત્યારબાદ 1969માં નીલા દેવી ગોહિલ સાથે બીજા લગ્ન કર્યા હતા. શમ્મી કપૂર સારા તરવૈયા હતા. પરંતુ ફિલ્મ બદતમીઝમાં ડાઈવિંગના એક શોટમાં પોતાની પાંસળી તોડી નાંખી હતી.


શમ્મી કપૂર અને બચ્ચનની મિત્રતા-
શમ્મી કપૂર અને અમિતાભ બચ્ચન સારા મિત્રો હતા. તેઓએ સાથે મળીને ફિલ્મ સિલસિલાનું ગીત નીલા આસમાન સો ગયાનો અંતરા કમ્પોઝ કર્યો હતો. બંનેએ સાથે મળીને ધૂન પણ બનાવી હતી.


- 1968માં ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ (ફિલ્મ બ્રહ્મચારી માટે)
- 1928માં ફિલ્મ ફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ (ફિલ્મ વિધાતા)
- 1995 ફિલ્મ ફેર લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ
- 1998 કલાકાર એવોર્ડ ભારતીય સિનેમામાં આપેલા યોગદાન બદલ
- 2009માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, રાષ્ટ્રીય ગૌરવ એવોર્ડ, લિવિંગ લીજેન્ડ એવોર્ડ પુણે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ. 14 ઓગસ્ટ 2011ના રોજ શમ્મી કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા.