‘રુદાલી’ ફિલ્મના ડાયરેક્ટર કલ્પના લાઝમીનું નિધન, વહેલી સવારે છેલ્લા શ્વાસ લીધા
કલ્પના લાંબા સમયથી કિડનીના કેન્સરથી પીડિત હતા. તેમણે આજે રવિવારેસવારે 4.30 કલાકે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.
નવી દિલ્હી : મહાન ફિલ્મકાર કલ્પના લાઝમીનું નિધન રવિવારે સવારે થયું છે. અભિનેત્રી હુમા કુરેશી અને સોની રઝદાને ટ્વિટ કરીને આ માહિતી આપી છે. કલ્પના લાંબા સમયથી કિડનીના કેન્સરથી પીડિત હતા. તેમણે આજે રવિવારે સવારે 4.30 કલાકે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર ઓશિવારા ક્રિમોટોરિયમમાં બપોરે 1 વાગે કરવામાં આવશે.
કલ્પના લાઝમી અલગ પ્રકારની ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે. તેમણે બોલિવુડમાં અનેક નવા પ્રયોગ કર્યાં છે. તેમની મોટાભાગની ફિલ્મો મહિલાઓના જીવન પર કેન્દ્રિત રહેતી હતી. સમાજની અનેક કુરીતિઓને કલ્પના લાઝમીએ ફિલ્મો દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમની રુદાલી, ચિન્ગારી અને દમન ફિલ્મ સુપરહીટ નિવડી હતી.
રુદાલી માટે મળ્યો હતો નેશનલ એવોર્ડ
વર્ષ 2001માં આવેલી કલ્પના લાઝમીની ફિલ્મ દમન માટે એક્ટ્રેસ રવીના ટંડનને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. કલ્પનાની બીજી ફિલ્મ રુદાલી માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2006માં આવેલી ફિલ્મ ચિન્ગારી તેમની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને સુસ્મિતા સેન હતા.
બોલિવુડ આવ્યું મદદે
થોડા મહિના પહેલા ભૂપેન હજારિકાની શોક સભા દરમિયાન કલ્પના લાઝમીની તબિયત બગડી હતી. જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સપ્તાહમાં ચાર વાર કલ્પના લાઝમીનું ડાયાલિસીસ થતું હતું. તેમના ડાયાલિસીસનો ખર્ચો બોલિવુડના અનેક સ્ટાર્સે સાથે મળીને કાઢ્યો હતો. આમિર ખાનથી લઈને સલમાન ખાન સુધીના સ્ટાર્સે તેમની સારવારમાં મદદ કરી હતી.