રાજેશ ખન્નાએ તેમના જમાનામાં જે સુપરસ્ટારડમ જોયું તે કદાચ કોઈ અન્યના ફાળે નહીં આવ્યું હોય. પરંતુ જ્યારે તેઓ રેસની બહાર થયા તો જે સમય જોયો તેવો સમય પણ  ભાગ્યે જ કોઈને જોવા મળતો હોય છે. આ સુપરસ્ટાર વિશે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભાત ભાતની વાતો ફેલાયેલી હતી. પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે રાજેશ ખન્નામાં સફળતાનું એટલું જનૂન હતું કે તે આ માટે કઈ પણ કરવા તૈયાર હતા. 1969માં આરાધના ફિલ્મથી તેમની સફળતાનો જે દોર શરૂ થયો હતો તે સતત 15 હિટ ફિલ્મોની સાથે 1972માં અપના દેશ સાથે અટક્યો હતો. ત્યારબાદ તેમણે સફળતા માટે લાંબી રાહ જોવી પડી હતી. ફિલ્મ અમર દીપ (1979)એ તેમને ખરાબ સમયમાંથી ઉગાર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજમાવ્યો જૂનો નુસ્ખો
રાજેશ ખન્ના વિશે કહેવાય છે કે તેમને શરત મારવાનો ખુબ શોખ હતો. જેનું કારણ એ હતું કે તેઓ શરતમાં હંમેશા જીતતા હતા. પરંતુ રાજેશ ખન્ના ક્યારેય મોટી શરત મારતા નહતા. શરત ફક્ત એક રૂપિયાની જ મારતા હતા. 1979માં જ્યારે તેઓ આતુરતાપૂર્વક સફળતા માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે ફરીથી એકવાર આ જ નુસ્ખો અજમાવ્યો હતો. રાજેશ ખન્ના કહેતા હતા કે જ્યારે પણ મને કોઈ પણ ચીજ કોઈ પણ હાલમાં જોઈતી હોય ત્યારે કોઈની સાથે તેઓ એક રૂપિયાની શરત લગાવે કારણ કે તેમનું માનવું હતું કે તેઓ હંમેશા આ શરત જીતતા હતા. તેમણે જણાવ્યું હતું કે અમર દીપ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા પણ તેમણે આવું જ કર્યું હતું અને એક મિત્ર સાથે એક રૂપિયાની શરત લગાવી હતી કે આ ફિલ્મ તેમની હિટ જશે. અને બન્યું એવું કે ફિલ્મ જોયા બાદ વિતરકો તેને હાથ લગાડવા માટે પણ તૈયાર નહતા. ત્યારે રાજેશ ખન્નાએ મિત્ર સાથે ફિલ્મની સફળતા માટે એક રૂપિયાની શરત લગાવી હતી. 


વાત એવોર્ડ સુધી પહોંચી ગઈ
પરિણામ એ આવ્યું કે લગભગ 5 વર્ષ પછી અનેક ફ્લોપ ફિલ્મો બાદ અમર દીપ રાજેશ ખન્નાની પહેલી સફળ ફિલ્મ બની હતી. ત્યારબાદ તેમની  ફિફ્ટી-ફિફ્ટી, થોડી સી બેવફાઈ,દર્દ, ધનવાન, કુદરત, અવતાર, સૌતન, અગર તુમ ન હોતે, ફિલ્મો આવી. જેમણે રાજેશ ખન્નાની કરિયર જાળવી રાખી. અમર દીપમાં રાજેશ ખન્નાનું કામ એટલું પ્રશંસા પામ્યું કે તેમને 1980ના ફિલ્મફેર પુરસ્કારોમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે નોમિનેટ પણ કરાયા હતા. જો કે તે વખતે પુરસ્કાર અમોલ પારેકરના ફાળે ગયો હતો ફિલ્મ ગોલમાલ માટે. ડાઈરેક્ટર આર. કૃષ્ણમૂર્તિ અને કે. વિજયનની ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે વિનોદ મહેરા, શબાના આઝમી અને અશોક કુમાર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ માટે પહેલા રામેશ્વરીને સાઈન કરાઈ હતી. પરંતુ આંખમાં ઈજા થઈ. જેના વિશે ખબર નહતી કે તે ઠીક થવામાં કેટલો સમય લેશે. ત્યારે રામેશ્વરીની જગ્યાએ શબાના આઝમીને લેવાયા. અમર દીપમાં મિથુન ચક્રવર્તી પણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળે છે પરંતુ તેમને ફાળે કોઈ ડાઈલોગ આવ્યો નહતો.