ટાઈગરની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 7 જ દિવસમાં 100 કરોડી ફિલ્મ બની
બોલિવૂડમાં નવી જનરેશનના પાવરપેક એક્ટર્સમાંથી એક ગણાતો ટાઈગર શ્રોફ આજકાલ માધ્યમોમાં છવાઈ ગયો છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થયેલી ફિલ્મ બાગી 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.
નવી દિલ્હી: બોલિવૂડમાં નવી જનરેશનના પાવરપેક એક્ટર્સમાંથી એક ગણાતો ટાઈગર શ્રોફ આજકાલ માધ્યમોમાં છવાઈ ગયો છે. માર્ચના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થયેલી ફિલ્મ બાગી 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. અહેવાલો મુજબ ફિલ્મે રિલીઝના 7માં દિવસે જ 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. રિલીઝના પહેલા દિવસે જ ફિલ્મે 25 કરોડની કમાણી કરી હતી. દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે દીપિકા પાદૂકોણની પદ્માવતના ફર્સ્ટ ડે કલેક્શનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. ટાઈગરની આ ફિલ્મ વર્ષ 2018ની બીજી સૌથી મોટી વીકેન્ડ ઓપનર ફિલ્મ બની ગઈ છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા ટ્વિટર એકાઉન્ટ પર શેર ર્યા છે. 30 માર્ચના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બાગી 2 એ સાતમા દિવસે કુલ 104.90 કરોડની કમાણી કરી લીધી છે. આ સફળતા બદલ ફિલ્મમેકર કરણ જૌહરે ટાઈગર શ્રોફને ટ્વિટર પર શુભેચ્છા પણ પાઠવી છે. ટાઈગર શ્રોફની એક્શન અને દિશા પટણી સાથેની તેની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી રહી છે.
અત્રે જણાવવાનું કે ટાઈગર રણવીર પ્રતાપ સિંહ ઉર્ફે રોનીની ભૂમિકા ભજવી રહ્યો છે જે એક કમાન્ડર છે. નેહા (દિશા પટણી) તેની કોલેજની પ્રેમિકાની ભૂમિકામાં છે. જો કે તેના લગ્ન કોઈ બીજા સાથે થઈ જાય છે અને ત્યારબાદ બંનેની મુલાકાત ચાર વર્ષ બાદ થાય છે. નેહાની પુત્રી કિડનેપ થઈ છે અને તે રોની પાસે મદદ માંગે છે. બસ અહીંથી વાર્તામાં વળાંક આવે છે. ફિલ્મમાં દીપક ડોબરિયાલ છે. પ્રતીક બબ્બર દિશાનો દિયર બન્યો છે.
પહેલા હાફમાં રોનીને સની પર શક જાય છે પરંતુ નેહાનો પતિ શેખર કહે છે કે તેની કોઈ પુત્રી હતી જ નહી. આવામાં ફિલ્મની વાર્તા ગૂંચવાય છે. નવી નવી વાતો સામે આવે છે પરંતુ આ બધા વચ્ચે શું રોની આ મિસ્ટ્રી ઉકેલી શકે છે? તેના માટે તો ફિલ્મ જોવી પડે.