આ સીટ ભાજપનો ગઢ, પણ ચારે બાજુ ચર્ચા કોંગ્રેસના મહિલા ઉમેદવારની
પીએમ મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદથી ગુજરાતની એક બેઠક હંમેશાથી ચર્ચામાં રહી છે.
અમદાવાદ: પીએમ મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદથી ગુજરાતની એક બેઠક હંમેશાથી ચર્ચામાં રહી છે. અને તે બેઠક છે મણિનગર. દરેક જણ એ જાણવા માંગે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠકનો વારસદાર કોણ હશે? ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપે જ્યાં સુરેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ત્યાં કોંગ્રેસે યુવા ચહેરા તરીકે શ્વેતા બ્રહ્મભટ્ટને તક આપી છે. 34 વર્ષની શ્વેતા બ્રહ્મભટ્ટે અમદાવાદમાંથી બીબીએની ડિગ્રી લીધા બાદ આગળનો અભ્યાસ લંડનથી કર્યો. શ્વેતાએ આઈઆઈએમ બેંગ્લુરુથી પોલિટિકલ લીડરશીપનો કોર્સ પણ કર્યો છે. જો કે અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ શ્વેતાની ઉમેદવારીનો વિરોધ કર્યો છે.
14 ડિેસેમ્બરના રોજ મણિનગરની બેઠક માટે મતદાન થવાનું છે. 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક લાખ 20 હજારથી વધુ મતોથી આ બેઠક જીતી હતી. ત્યારબાદ મોદીના પીએમ બન્યા બાદ થયેલી 2014ની પેટાચૂંટણીમાં સુરેશ પટેલે આ બેઠક પર ભાજપનો કબ્જો જાળવી રાખ્યો. તેમણે જતિન વિજય જૈનને હરાવ્યાં હતાં.
શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. શ્વેતા 14 ડિસેમ્બરે થનારા બીજા તબક્કાના મતદાનમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય સુરેશ પટેલ સાથે મુકાબલો કરશે. નરેન્દ્ર બ્રહ્મભટ્ટે વર્ષ 2000માં કોંગ્રેસની ટિકિટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ લડી હતી. રાજકારણમાં આવવાના સવાલ પર શ્વેતા કહે છે કે તેમને 2012માં જ વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી હતી પરંતુ તેમણે ત્યારે પોતાની કેરિયર પર ભાર મૂક્યો હતો.
સુરેશ પટેલ પોતાની સીટ બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. સુરેશ પટેલને પીએમ મોદીની નજીકના ગણવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી પણ તેમના પક્ષમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યાં છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના વિધાનસભા મત વિસ્તારમાં રેલી કરી હતી. વડાપ્રધાન બન્યા તે પહેલા મોદી આ બેઠક પરથી સતત ત્રણવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 2002, 2007 અને 2012માં આ બેઠક પર કોંગ્રેસને માત આપીને તેને ભાજપના ગઢમાં ફેરવી નાખી હતી.