રાજકપૂરની શોધે લીધા અંતિમ શ્વાસ, બોલિવૂડ આઘાતમાં
નિમ્મી મહાન શોમેન રાજ કપૂરની શોધ હતા. તેણે ‘બરસાત’થી પોતાનું ફિલ્મી ડેબ્યૂ કર્યું અને લોકોનું દિલ જીત્યું હતું.
મુંબઈ : એક જમાનાના ફેમસ એક્ટ્રેસ નિમ્મીનું બુધવારે મોડી સાંજે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી જાતે હલનચલન કરી શકતા નહોતા અને વ્હીલચેરમાંથી ઉભા પણ નહોતા થઈ શકતા. તેમને વધતી ઉંમર સાથે અનેક બીમારીઓ હતી. તેમણે આખરે સાંતાક્રૂઝના એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતાં. નિમ્મીના અંતિમ સંસ્કાર ગુરુવારે એટલે કે 26 માર્ચના રોજ થશે.
નિમ્મી મહાન શોમેન રાજ કપૂરની શોધ હતા. તેણે ‘બરસાત’થી પોતાનું ફિલ્મી ડેબ્યૂ કર્યું અને લોકોનું દિલ જીત્યું હતું. નિમ્મીએ 50 અને 60ના દાયકામાં ટોચની એક્ટ્રેસ તરીકે જાહોજલાલી ભોગવી હતી. આ પછી તેણે ‘અમર’, ‘દાગ’,’દીદાર’,’બસંત બહાર’,’મેરે મહેબૂબ’,’કુંદન’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.
નિમ્મીનું સાચું નામ ‘નવાબ બાનો’ હતું. નિમ્મીએ એસ અલી રાજા સાથે લગ્ન કર્યા હતાં પણ તેમના પતિનું 2007માં અવસાન થયુ હતું. નિમ્મીએ પોતાની બહેનના દીકરાને દત્તક લીધો હતો. શરુઆતના દિવસોમાં નિમ્મી ખૂબ જ ડિમાન્ડમાં હતા. એવું કહેવામાં આવે છે કે દિલીપકુમારથી લઈને રાજકપૂર, અશોક કુમાર, ધર્મેન્દ્ર જેવા અનેક મોટા એક્ટર્સ તેની સાથે કામ કરવા માટે આગળ-પાછળ લાઈનમાં રહેતા હતાં. તેમના અવસાનથી બોલિવૂડમાં ભારે આઘાતની લાગણી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube