મુંબઈઃ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત પ્લેબેક સિંગર મોહમ્મદ અઝીઝનું મંગળવારે અવસાન થઈ ગયું. તેઓ 64 વર્ષના હતા. મોહમ્મદ અઝીઝના પુત્રી સનાએ મંગળવારે તેમનું નિધન થયું હોવાના સમાચાર આપ્યા હતા. અઝઝી સોમવારે રાત્રે કોલકાતામાં હતા. હજુ મંગળવારે જ તેઓ મુંબઈ પહોંચ્યા હતા. અહીં બપોરે 3 કલાકે અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈલાજ દરમિયાન તેમનું નિધન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક માહિતી અનુસાર મુંબઈ એરપોર્ટથી ઘરે જતા સમયે માર્ગમાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આથી ડ્રાઈવર તેમને સીધો જ નાણાવટી હોસ્પિટલ લઈ ગયો હતો અને તેમની પુત્રીને આ સમાચાર આપ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ મોહમ્મદ અઝીઝને મૃત જાહેર કર્યા હતા. અઝીઝે તેમની ફિલ્મી કરિયરની શરૂઆત મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મોથી કરી હતી. 


મોહમ્મદ અઝીઝનો જન્મ 1954માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. અઝીઝે બોલિવૂડની હિન્દિ ફિલ્મો ઉપરાંત બંગાળી, ઉડિયા અને અન્ય સ્થાનિક ભાષાઓમાં પણ પ્લેબેક સિંગિંગ કર્યું છે. મોહમ્મદ અઝીઝ મખમલી અવાજના માલિક મોહમ્મદ રફીના મોટા ફેન હતા અને તેમને અનુ મલિકે બોલિવૂડમાં મોટો બ્રેક આપ્યો હતો. અમિતાભ બચ્ચનની ફિલ્મ 'મર્દ'નું ટાઈટલ સોંગ "મૈં હું મર્દ તાંગેવાલા" દ્વારા મોહમ્મદ અઝીઝ રાતોરાત હિન્દી પ્લેબેક સિંગિંગમાં સુપરસ્ટાર બની ગયા હતા. 



મોહમ્મદ અઝીઝને લોકો 'મુન્નાભાઈ'ના હુલામણા નામથી બોલાવતા હતા. તેમણે બોલિવૂડમાં અનેક સુપરહિટ ગીતો આપ્યા છે અને અમિતાભ, ગોવિંદા, સનિ દેઓલથી માંડીને અનેક સુપરસ્ટારને પોતાનો અવાજ આપ્યો છે. મોહમ્મદ રફી જેવો જ મીઠી અવાજ ધરાવતા મોહમ્મદ અઝીઝ બોલિવૂડમાં તેમનો પર્યાય બની ગયા હતા. તેમના ગીતોમાં 'લાલ દુપટ્ટા મલમલકા', 'મય સે મીના સે ન સાકી સે' જેવા અસંખ્ય ગીતો સુપરહિટ બન્યા હતા. તેમણે મર્દ ઉપરાંત બંજારન, આદમી ખિલૌના, લવ-86, પાપી દેવતા, જુલ્મ કો જલા દૂંગા, પથ્થર કે ઈનસાન, બીવી હો તો ઐસી, બરસાત કી રાત જેવી અસંખ્ય ફિલ્મોમાં ગીતો ગાયા છે.