પાકિસ્તાનમાં તેનો સ્ટાર એક્ટર ફવાદ ખાન બરાબર લેવાયો લબડધક્કે, કારણ કે...
પાકિસ્તાન એ ત્રણ દેશોમાંથી એક છે જે પોલિયોની બીમારીથી પ્રભાવિત છે
મુંબઈ : હાલમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સામે પોલીસે ફરિયાદ નોંધી છે. હકીકતમાં ફવાદની પત્નીએ તેની દીકરીને પોલિયોના ટીપાં પીવડાવવા માટે ઈનકાર કર્યો હતો. તેના ઇનકાર પછી જ ફવાદ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પોલિયોની ટીમની લેખિત ફરિયાદ પર આ કાર્યવાહી કરી છે. પોલિયોની ટીમ ફવાદ ખાનના ઘર પર તેની પુત્રીને પોલિયોના ટીપા પીવડાવવા માટે ગઈ હતી. આ દરમિયાન ફવાદની પત્ની સદાફ ફવાદ ખાન ઘર પર હતી.
પોલિયોની ટીમે એક્ટરની પુત્રીને પોલિયોના ટીપા પીવડાવવાની વાત કરી તો સદાફે તેનો વિરોધ કર્યો અને ત્યારબાદ ટીમ સાથે અભદ્ર વ્યવહાર કર્યો. ઘટના બાદ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. આ મામલે કુલ છ ફરિયાદ નોંધાવામાં આવી છે. પાકિસ્તાન એ ત્રણ દેશોમાંથી એક છે જે પોલિયોની બીમારીથી પ્રભાવિત છે. બીજા બે દેશ નાઇજીરીયા અને અફઘાનિસ્તાન છે. પોલિયોના કારણે વિકલાંગતા અથવા મૃત્યુનો ખતરો પણ રહે છે.
ફરિયાદ નોંધાયા બાદ ફવાદ ખાને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘ઘટના સમયે અમે બંને ઘરે હતા જ નહીં, હું 13 ફેબ્રુઆરીથી દેશ બહાર છું અને હાલ અમેરિકામાં છું’. આ વચ્ચે વડાપ્રધાનના પોલિયો ટાસ્કફોર્સના પ્રવક્તા બાબર બિન અતાએ ટ્વીટ કરી લખ્યું કે, ‘ફવાદ અમારા દેશની શાન છે. હું તેમને અપીલ કરૂ છું કે તેની દીકરીને પોલિયોના ડ્રોપ પીવડાવે.
પુલવામા અટેક ઇફેક્ટ : પાકિસ્તાની કલાકારોને બરાબર ફટકો મારવાનો બોલિવૂડનો માસ્ટરપ્લાન
ફવાદે બોલિવૂડમાં સોનમ કપૂર સાથે ખૂબસુરત ફિલ્મ કરી હતી અને ત્યારબાદ કરણ જોહરની મલ્ટિસ્ટાર ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલ ઉપરાંત કપૂર એન્ડ સન્સમાં ચમક્યો હતો. જો કે એ દરમિયાન ઉરીમાં આતંકવાદી હુમલો થતાં દેશભરમાં ગુસ્સો વ્યાપ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તમામ પાકિસ્તાની કલાકારોને તાબડતોબ દેશ છોડી જવાનો આદેશ આપ્યો હતો અને આ ફિલ્મ રજૂ નહીં કરવા દેવાની ધમકી આપી હતી. ફવાદ આમ તો બોલિવૂડ અને પાકિસ્તાની ફિલ્મોદ્યોગ છોડીને જવા માગતો નહોતો પરંતુ હાલ એ બંને સ્થળે એની પાસે કામ નથી એટલે કરણ અને પ્રિયંકાએ એને હોલિવૂડમાં ભાગ્ય અજમાવવાની સલાહ આપી છે. ફવાદની જેમ શાહરુખ ખાન સાથે રઇસમાં ચમકેલી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ હોલિવૂડમાં ટ્રાય કરી રહી છે.