VIDEO: 25 વર્ષ સુધી ચાલેલું નાટક ``ચિત્કાર`` હવે સિલ્વર સ્ક્રીન પર
25 વર્ષ સુધી દેશ અને વિદેશમાં ચાલેલા ગુજરાતી નાટક ચિત્કાર પર આધારિત ફિલ્મ 20 એપ્રિલે રીલિઝ થવાની છે.
અમદાવાદઃ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ચિત્કારનું ગીત અને ટ્રેલરને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુજરાતી નાટક ચિત્કાર પર આધારિત છે. વર્ષ 1983માં પ્રથમવાર ચિત્કાર નાટકનું આયોજન થયું હતું. 25 વર્ષ સુધી આ નાટકના દેશ-વિદેશમાં અનેક શો થયેલા છે. નાટકની સફળતા બાદ હવે ફિલ્મના રૂપમાં સિલ્વર સ્ક્રીન પર રજૂ થવાનું છે.
ફિલ્મની વાર્તા એક પેરાનોઇડ સ્કિઝોફ્રેનિક છોકરી રત્ના (સુજાતા મેહતા) વિશેની વાર્તા છે, જે હિંસક અને વિભાજીત વ્યક્તિત્વ ધરાવે છે. સિનિયર મનોચિકિત્સક મુજબ, તેની માંદગીનો ઉપચાર કરવો અશક્ય છે. ડો.
માર્કન્ડ (હિતેન કુમાર) એક મનોચિકિત્સક છે, તે આ રત્નાના કેસ વિશે જાણે છે અને રત્નાની સારવારને એક પડકાર તરીકે સ્વીકારે છે અને તેને સામાન્ય જીવન જીવવાની તક આપે છે. આ એક સ્કિઝોફ્રેનિક દર્દી રત્ના અને તેની સારવાર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા ડૉક્ટર વિશેનો સ્ટોરી છે. જુઓ ફિલ્મનું ટ્રેલર
આ ફિલ્મની અભિનેત્રી સુજાતા મહેતાએ આ નાટકમાં 25 વર્ષથી કામ કર્યું છે અને તે જ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા હિતેન કુમાર પણ પોતાના કેરિયરની શરૂઆતમાં આ નાટકમાં કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મને લતેશ શાહે ડાયરેક્ટ કરી છે.
ફિલ્મના એક સીન દરમિયાન હિતેન કુમાર અને સુજાતા મહેતા (ફોટો સૌજન્યઃ ફિલ્મ)
આ ફિલ્મ પાન સ્ટૂડિઓ રીલિઝ કરી રહ્યું છે, જેણે ગુજુભાઈ મોસ્ટ વોન્ટેડ જેવી ફિલ્મ આપી છે. આ ફિલ્મ ગુજરાત, મુંબઈ, કોલકત્તા, લંડન, અમેરિકા, આફ્રિકા સહિત અનેક જગ્યાએ 20 એપ્રિલે રીલિઝ થવાની છે.