2600 કિમીની `માં રેવા`ની પરિક્રમા કરાવતી ફિલ્મ એટલે `રેવા`
`માં નર્મદા`ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટની નવલકથા `તત્વમસિ` પરથી બનેલી ફિલ્મ છે.
પાર્થ શર્મા/અમદાવાદ: ભારત એ આધ્યત્મ,ધર્મ અને શ્રદ્ધાઓથી ભરેલો દેશ છે. ભારતમાં અનેક ધર્મો છે તો સાથે સાથે અહીંયા નદીઓને પણ માતા તરીકે પૂજાય છે.તમે નર્મદા જૂઓ કે મ હિસાગર કે પછી ગંગાને જ જોઈ લો..ભારતમાં દરરોજ સાંજે નદીઓની આરતી પણ થાય છે ત્યારે આદિ શંકરાચાર્યે માં નર્મદાને ટાંકીને આઠમી સદીમાં "નર્મદા અષ્ટક"ની રચના કરી."सबिन्दुसिन्धुसुस्खलत्तरंगभंगरञ्जितम्द्विषत्सु पापजातजातकारिवारिसंयुतं ।कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदेत्वदीयपादपङ्कजं नमामि देवि नर्मदे ॥ १॥"
ડો.વિનાયક પેશ્વાએ નર્મદા પર કરેલા ઉંડા ફીલ્ડવર્કના આધારે કહ્યુ છે કે "ગંગા ઉમરની દ્રષ્ટીએ નર્મદાની સામે બાળકી કહેવાય" અને એક મત મુજબ તેમણે એવું પણ જણાવ્યું છે કે નર્મદા વિશ્વની સૌથી જૂની નદી છે. સવારે એ દ્રશ્ય છે તો રાત્રે એ શ્રાવ્ય છે, સવારે એ નર્મદા છે તો રેવા છે.
શું છે ફિલ્મની વાર્તા?
'માં નર્મદા'ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પરથી બનેલી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે. જેમાં અધ્યાત્મ છે..શ્રદ્ધા છે..મિલ્કત પચાવી પાડવાની વાત છે. બે મિત્રોની વાત છે, ફકીરની વાત છે, માં બાપ અને દાદા વચ્ચેના સંબંધની વાત છે તો ક્યાંક નદી કાંઠા કે જંગલો વિસ્તારમાં રહેતા લોકોની અંધશ્રદ્ધાની વાત પણ છે પરંતુ ફિલ્મ ક્યાંય અંધશ્રદ્ધાને સપોર્ટ નથી કરતી. ફિલ્મમાં એકતાના દર્શન થાય છે તો બસ આવી જ નર્મદાના વહેણ જેવી ફિલ્મ છે રેવા.
ફિલ્મની સ્ટોરી ખુબ જ સારી રીતે પકડ મજબૂત કરે છે. વારંવાર આવતા ટ્વીસ્ટ એ સસ્પેન્સ જેવો અનુભવ કરાવે છે ફિલ્મની વાર્તા યુનિક છે કોમેડી ફિલ્મ જોનારાના નહીં ગમે તો સાથે સાથે ફિલ્મની લંબાઈ પણ વધારે છે, આથી એ દર્શકોને જરૂરથી કંટાળો લાવશે. પરંતુ થિએટર છોડીને જવા મજબૂર તો નહી જ કરે એવી શ્રદ્ધા છે.
ફિલ્મના સીનમાં નર્મદાના કિનારે હું વર્ષમાં પાંચ દિવસ કે સાત દિવસ વિતાવતો હોઉં છું એ દરમ્યાન આ દરેક સીન મેં મારી નરી આંખે જોયા છે અને તે કેમેરામાં કંડારવામાં આવ્યા છે એ સીન જ્યારે મારી આંખોમાં દેખાયા ત્યારે એવુ લાગ્યુ કે જાણે હું નર્મદાના કાંઠે ફરી રહ્યો હોય અને જે શાંતિ નર્મદામાં ડૂબકી મારવાથી થાય એવી શાંતિનો અહેસાસ ફિલ્મના સીન જોતી વખતે થયો.
કિર્તીદાનભાઈના અવાજમાં ગવાયેલુ ફિલ્મનું ટાઈટલ ટ્રેક હોય કે સંગીત જલસો વખતનું ગીત ખરેખર કર્ણપ્રિય છે અને મને તો ખાસ કરીને ટાઈટલ ટ્રેક ખૂબ જ યાદ રહી ગયુ છે તો બેકગ્રાઉન્ડ સ્કોર પણ દરેક સીનને અનુરૂપ બેસે છે.
રાહુલ ભોલેનું ડિરેક્શન ફિલ્મને ચાર ચાંદ લગાવી જાય છે પરંતુ જો થોડી સ્ટોરીને સંક્ષિપ્તમાં કરી હોત તો ઔર મજ્જા આવત. મોનલ ગજ્જર સુપ્રિયાના પાત્રમાં ખરેખર ખુબ જ ચાર્મિંગ લાગે છે તો પ્રશાંત બારોટ,યતિન કાર્યેકર, દયાશંકર પાંડે, અભિનય બેંકર સહિત ફિલ્મમાં ગેસ્ટ એપિરીયન્સમાં મલ્હાર અને મનોજભાઈ શાહ પણ મંદિરના મહંત રૂપે દેખાય છે અને મજ્જા મજ્જા કરાવે છે તો રહી વાત ચેતનભાઈની તેમણે માત્ર ફિલ્મમાં અભિનય નથી કર્યો પરંતુ કો રાઈટર તરીકે વાર્તા પણ લખવામાં મદદ કરી છે અને તેમણે ફિલ્મના પાંચ ગીતો પણ લખ્યા છે. ફિલ્મનું મજબૂત પાસુ તેમનો અવાજ છે જાણે બાહૂબલીના પ્રભાસ સ્ક્રીન પર હોય તેવી ફિલીંગ આવે.
મને ફિલ્મનો એક ડાયલોગ જે ગંડુ ફકીર બોલે છે તે ખુબ જ ગમ્યો :
"मैं नमाज़ी बनुं या शराबी,
बंदगी मेरे घर से
कहां जाएगी!"
જેમણે ધ્રુવ ભટ્ટની નોવેલ વારંવાર વાંચી હોય તેમને ફિલ્મ ગમશે, ન વાંચી હોય તેમને ફિલ્મ પુસ્તક વાંચવા મજબૂર કરશે. છેલ્લે ગમતા સીન: બીત્તું બંગા દ્વારા માં નર્મદાને સાડી પહેરાવવા વાળો સીન, મનોજભાઈનો મહંત વાળો સીન,બીત્તું બંગા વચ્ચેની મિત્રતા.